calendar_todayMarch 12, 2026
અકસ્માતના 3 બનાવમાં 1 મહિલાનું મોત, 3ને ઈજા
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા ચોકડી, નવલગઢ પાસે અને ચોટીલાના પાંચવડા પાસે અકસ્માતના 3 બનાવ પોલીસ ચોપડે ચઢયા છે. જેમાંકુડા ચોકડી પાસે બાઈકને ટ્રકે ઠોકર મારતા દંપતી ખંડીત થયુ છે. બીજી તરફ ચોટીલાના પાંચવડા પાસે બાઈક-રિક્ષા અને ધ્રાંગધ્રાના નવલગઢ પાસે બાઈક અને એસટી બસ અથડાયા હતા. આ બંને અકસ્માતના બનાવમાં 3 વ્યક્તિને ઈજા પહોંચી છે.
ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે રહેતા 48 વર્ષીય ભોપાભાઈ મેલાભાઈ પાટડીયા મજુરી કરે છે. તા. 9ના સવારે તેઓ પત્ની લીલાબેન અને સાસુ શાંતુબેન સાથે બાઈક પર ધ્રાંગધ્રા ખરીદી કરવા જતા હતા. ત્યારે કુડા ચોકડી પાસે પાછળથી પુરઝડપે આવેલ મીઠા ભરેલ ટ્રકે બાઈકને ઠોકર મારી હતી. જેમાં ત્રણેય બાઈક સહિત નીચે પટકાયા હતા. અને આ બનાવમાં ટ્રકનું વ્હીલ લીલાબેનના પગ ઉપરથી ફરી વળતા તેમને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી દવાખાને અને ત્યાંથી સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. જેમાં તા. 9ના રોજ રાત્રે લીલાબેનનું મોત થયુ હતુ. આ બનાવમાં ભોપાભાઈ કે તેમના સાસુ શાંતુબેનને કોઈ ઈજાઓ પહોંચી ન હતી. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે તા. 10ના રોજ મોડી રાત્રે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ પી.એ.સોલંકી ચલાવી રહ્યા છે. જયારે ચોટીલા તાલુકાના લાખણકા ગામે રહેતા 35 વર્ષીય જગાભાઈ કાનાભાઈ સાબંડ ડ્રાઈવીંગ કરે છે. તા. 6-3ના રોજ તેઓ ચોટીલા ખાતે આવેલ તેમના ભાઈ જીવાભાઈની હોટલથી મિત્ર શૈલેષભાઈ સાથે લાખણકા જતા હતા. જેમાં બાઈક જગાભાઈ ચલાવતા હતા. ત્યારે પાંચવડા ગામ પાસે વળાંકમાં સામેથી આવતી સીએનજી રિક્ષાએ બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બન્ને મિત્રો બાઈક સહિત નીચે પટકાયા હતા. આ બનાવમાં બન્નેને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે તા. 10ના રોજ રાત્રે ચોટીલા પોલીસ મથકે રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એ.બી.ભુંસડીયા ચલાવી રહ્યા છે. બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા 62 વર્ષીય મુળજીભાઈ દલાભાઈ સીંધવના કુટુંબમાં તા. 8-3ના રોજ લગ્ન હતા. જેમાં જાન મુળી તાલુકાના શેખપર ગામે ગઈ હતી. ત્યારે મુળજીભાઈનો 32 વર્ષીય દિકરો સાગર બુલેટ મોટરસાયકલ લઈને શેખપર જતો હતો. જેમાં નવલગઢ ગામ નજીક જીન પાસે ખાંભડા તરફથી આવતી એસ.ટી.બસના ચાલકે ગફલતભરી રીતે ચલાવી બુલેટ સાથે અકસ્માત કર્યો હતો. જેમાં સાગરને ઈજાઓ થતા સારવાર માટે 108 દ્વારા સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ અંગે મુળજીભાઈએ એસ.ટી. બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી વી. જી.મકવાણા ચલાવી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam