calendar_todayMarch 12, 2026
રાજસ્થાનથી હિંમતનગર આવતી ખાનગી લકઝરીમાંથી 3.45 લાખનો દારૂ પકડાયો
હિંમતનગરમાંથી રાજસ્થાન તરફથી આવતા નેશનલ હાઇવે પર સાબરડેરી બ્રિજ પાસે મંગળવારે રાત્રે એ-ડિવીઝન પોલીસે વોચ ગોઠવી બાતમીને આધારે લક્ઝરીમાંથી 3.45 લાખનો દારૂના જથ્થા સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી 13.58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, રાજસ્થાનથી હિંમતનગર થઈ ગુજરાતમાં અન્ય સ્થળે રોજબરોજ કેટલાક શખ્સો પાસ પરમીટ વિના દારૂ અને બિયરની વાહનોમાં ભરી હેરાફેરી કરી રહ્યા છે ત્યારે મંગળવારે હિંમતનગર એ-ડિવીઝન પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી શામળાજી થઈ અમદાવાદ તરફ જતી લક્ઝરી નંબર આર.જે.19પીબી.6914માં બે જણા પ્લાસ્ટીકની થેલીઓમાં દારૂ ભરી હિંમતનગર થઈ સાબરડેરી તરફ આવી રહ્યા છે.
જે બાતમીને આધારે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એમ.ચૌધરી તથા ઈન્ચાર્જ પીઆઈ એચ.આર.હેરભા તથા સ્ટાફે વોચ ગોઠવીને બાતમી મુજબ આવી રહેલ લકઝરીને ઝડપી લીધી હતી જયાં લકઝરી બસની વચ્ચેની સીટના ગુપ્ત ખાનામાં રખાયેલ અંદાજે રૂ.3.45 લાખની પ્લાસ્ટીકની થેલીમાં ભરેલ દારૂ અને બિયરની 96 બોટલો મળી આવતા કબ્જે લેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે નાનુરામ નાનજી નનોમા(મીણા) (રહે.લાપીયા, તા.આસપુર, જિ.ડુંગરપુર, રાજસ્થાન) અને પ્રતાપસિંહ રણજીતસિંહ ચૌહાણ (રહે.42, પડાવાડા, તા.જિ. સલુમ્બર, રાજસ્થાન)ની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે રૂ.3.45 લાખનો દારૂ, લક્ઝરી, મોબાઇલ સહિત 13.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ બે સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam