calendar_todayJanuary 21, 2026
સ્પેસમાં 608 દિવસ ! જાણો Sunita Williamsની અંતરિક્ષ યાત્રાઓ
પ્રખ્યાત નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષની લાંબી, ગૌરવશાળી અને ઐતિહાસિક સેવા બાદ નાસામાંથી નિવૃત્તિ લીધી છે. તેમની નિવૃત્તિ 27 ડિસેમ્બર 2025થી અમલમાં આવી છે. સુનિતા વિલિયમ્સ માનવ અવકાશ ઉડાનના ક્ષેત્રમાં એવી વ્યક્તિત્વ છે, જેમણે પોતાની મહેનત, હિંમત અને સમર્પણથી ઇતિહાસ રચ્યો છે.
પોતાની કારકિર્દી દરમિયાન ત્રણ મહત્વપૂર્ણ અવકાશ મિશન
સુનિતા વિલિયમ્સે પોતાની કારકિર્દી દરમિયાન ત્રણ મહત્વપૂર્ણ અવકાશ મિશનમાં ભાગ લીધો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર કુલ 608 દિવસ વિતાવ્યા, જે કોઈપણ નાસા અવકાશયાત્રી દ્વારા વિતાવેલો બીજો સૌથી લાંબો સમય છે. આ સાથે તેમણે 9 સ્પેસવોક કર્યા, જેમાં કુલ 62 કલાક અને 6 મિનિટ અવકાશ બહાર કામ કર્યું. મહિલા અવકાશયાત્રી તરીકે સૌથી વધુ સ્પેસવોક કરવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.
સુનિતા વિલિયમ્સે પહેલીવાર સ્પેસ
ડિસેમ્બર 2006માં સુનિતા વિલિયમ્સે પહેલીવાર સ્પેસ શટલ ડિસ્કવરી દ્વારા અવકાશમાં ઉડાન ભરી હતી. ત્યારબાદ 2012માં તેમણે કઝાકિસ્તાનના બાયકોનુર કોસ્મોડ્રોમથી સોયૂઝ યાન દ્વારા ISS પર જવાની યાત્રા કરી અને અવકાશ મથકના કમાન્ડર તરીકે પણ સેવા આપી. આ સિદ્ધિ તેમને નેતૃત્વક્ષમ અવકાશયાત્રી તરીકે ઓળખ અપાવે છે. તાજેતરમાં જૂન 2024માં સુનિતા વિલિયમ્સ બોઇંગ સ્ટારલાઇનર મિશન પર અવકાશમાં ગઈ હતી અને માર્ચ 2025માં સફળતાપૂર્વક પૃથ્વી પર પરત ફરી હતી. આ મિશન માનવ અવકાશ ઉડાન માટે મહત્વપૂર્ણ પગથિયું માનવામાં આવે છે.
ભવિષ્યના ચંદ્ર અને મંગળ મિશનો માટે મજબૂત
નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેનના જણાવ્યા મુજબ, સુનિતા વિલિયમ્સે અવકાશ મથક પર તેમના નેતૃત્વ દ્વારા ભવિષ્યના ચંદ્ર અને મંગળ મિશનો માટે મજબૂત પાયો તૈયાર કર્યો છે. આર્ટેમિસ મિશન સહિત આવનારા અનેક અભિયાન માટે તેમની કામગીરી પ્રેરણારૂપ રહી છે. નિવૃત્તિ બાદ સુનિતા વિલિયમ્સે જણાવ્યું હતું કે અવકાશ તેમનું સૌથી પ્રિય સ્થાન રહ્યું છે અને નાસામાં સેવા આપવી તેમના જીવનનું સૌથી મોટું સન્માન છે. તેમણે આશા વ્યક્ત કરી કે તેમની સફર આવનારી પેઢીઓને અવકાશ વિજ્ઞાન તરફ પ્રેરણા આપશે.
આ પણ વાંચો : 27 વર્ષની સેવા બાદ સુનિતા વિલિયમ્સ નિવૃત્ત, સ્પેસમાં 608 દિવસનો ઐતિહાસિક રેકોર્ડ