calendar_todayAugust 31, 2026
ડભોઇમાં ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ પ્રતિકિલો 70થી 80એ પહોંચ્યા
ડભોઈ શહેર તેમજ સમગ્ર તાલુકામાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે શાકભાજીના રાજા સમાન ડુંગળીના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકાતા સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ અચાનક આસમાને પહોંચી જતા રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ભાવમાં સીધો ઉછાળો થોડા સમય પહેલાં જે ડુંગળી બજારમાં પ્રતિ કિલો રૂા.20થી 30ના ભાવે મળતી હતી. તે જ ડુંગળીનો ભાવ આજે સીધો વધીને રૂા.70થી 80 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.
રોજિંદા આહારમાં કોઈપણ શાક બનાવવું હોય કે દાળ-કઢીનો વઘાર કરવો હોય, ડુંગળી અનિવાર્ય ભાગ છે. ભાવમાં થયેલા અસહ્ય વધારાને કારણે ગૃહિણીઓ માટે ડુંગળી ખરીદવી પણ મુશ્કેલ બની છે. પેટ્રોલ-ડીઝલ અને અન્ય કરિયાણાની ચીજવસ્તુમાં સતત ભાવ વધારા વચ્ચે હવે ડુંગળીના આકરા ભાવ સામાન્ય જનતાને ખરા અર્થમાં રડાવી રહ્યાં છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, પાછળથી આવકમાં ઘટાડો થવાને કારણે ભાવમાં આટલો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. વધતી જતી મોંઘવારી સામે હવે ગરીબ અને સામાન્ય વર્ગ માટે ઘર ચલાવવું મોટો પડકાર બન્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો