android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
ડીસામાં 90 % શોપિંગ સેન્ટરમાં પાર્કિંગ ગાયબ

calendar_todayMay 18, 2026

ડીસામાં 90 % શોપિંગ સેન્ટરમાં પાર્કિંગ ગાયબ

ડીસા શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિકથી સમસ્યા જટિલ બની રહી છે જેની પાછળ ટ્રાફિક સેન્સનો અભાવ નહીં પરંતુ બિલ્ડરોની લાલચ અને નગરપાલિકાની ઘોર બેદરકારી જવાબદાર છે. શહેરમાં ઉભા થયેલા 90 ટકા થી વધુ શોપિંગ સેન્ટરોમાં અત્યારે પાર્કિંગની કોઈ જ વ્યવસ્થા નથી. બિલ્ડરો નકશા પાસ કરાવતી વખતે પાર્કિંગ દર્શાવે છે. પરંતુ પ્લાન પાસ થઈ ગયા બાદ પાછળથી એ જ પાર્કિંગની કિંમતી જગ્યાઓનો સોદો કરી વેચી મારતા હોવાનો સિલસિલો છેલ્લા ધણાં વર્ષથી ચાલી રહ્યો છે. બિલ્ડરો માત્ર પાર્કિંગની જગ્યાઓ જ નથી વેચી મારતા પરંતુ નગરપાલિકામાં જે નકશા પાસ કરાવવા મૂકવામાં આવે છે તેમાં મુખ્ય રસ્તાની બાજુએ સીડીઓ દર્શાવવામાં આવતી નથી. જોકે બાંધકામ પુરૂં થતા જ બિલ્ડરો દ્વારા પાછળથી જાહેર રોડ પર દબાણ કરીને સીડીઓ મૂકી દેવામાં આવે છે. આ પ્રકાશના ગેરકાયદેસર બાંધકામો તંત્રની આંખ સામે થઈ રહ્યા હોવા છતાં નગરપાલિકા મૌન સેવીને બેઠી છે. ડીસામાં શોપિંગ સેન્ટરોમાં પાર્કિંગ ન હોવાને કારણે ખરીદી કરવા આવતા ગ્રાહકો અને વેપારીઓને પોતાના વાહનો મજબૂરીમાં બહાર રોડ પર પાર્ક કરવા પડે છે જેના લીધે મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે ટ્રાફિકની મુખ્ય સમસ્યા બિલ્ડીંગોના ગેરકાયદે બાંધકામો છે. પરંતુ તેનો ભોગ પોલીસ બને છે ટ્રાફીક થવાના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા જતી પોલીસ બિલ્ડરો અને પાલિકાના પાપે બદનામ થઈ રહી છે રોડ પર પાર્ક કરેલા વાહનોને જયારે ટોઈંગ વાન દ્વારા ઉઠાવી જવામાં આવે છે. ત્યારે સામાન્ય જનતાને ખોટી રીતે દંડ ભોગવવો પડે છે આના કારણે ટોઈંગ સ્ટાફ અને ટ્રાફિક પોલીસ સાથે નિર્દોષ નાગરિકોના ઉગ્ર ઘર્ષણના બનાવો રોજિંદા બન્યા છે. સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે છેલ્લા એક દાયકામાં બનેલા આટલા બધા શોપિંગ સેન્ટરોમાં પાર્કિંગની જગ્યાઓ પર ગેરકાયદેસર કબ્જો થઈ ગયો હોવા છતાં તેમજ તે અંગેની અનેક રજૂઆતો થઈ હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા આજ દિન સુધી એક પણ શોપિંગ સેન્ટરમાં તપાસ કરીને પાર્કિંગ ખુલ્લું કરાવવાની તસ્દી લેવામાં આવી નથી. જો નગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવીને શોપિંગ સેન્ટરોના નકશા ચેક કરવામાં આવે અને પાર્કિંગમાં થયેલા ગેરકાયદેસર દબાણો તુરંત ખુલ્લા કરાવવામાં આવે તો ડીસા શહેરની ટ્રાફિક સમસ્યા વગર કોઈ ખર્ચે 24 કલાકમાં હલ થઈ શકે તેમ છે હવે જોવાનું એ રહે છે કે તંત્ર જનતાના હિતમાં બિલ્ડર લોબી સામે લાલ આંખ કરે છે કે પછી ભ્રષ્ટાચારની આ પોલ ચાલતી જ રહેશે ?

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો