calendar_todayMay 3, 2026
Ahmedabad: કપાસીયા બજારના અસ્તિત્વનો જંગઃ 115 વર્ષ જૂના વારસા અને 500 પરિવારોની રોજીરોટી પર સંકટ
અમદાવાદના કપાસીયા બજારના અસ્તિત્વનો જંગ ચાલી રહ્યો છે, 115 વર્ષ જૂના વારસા અને 500 પરિવારોની રોજીરોટી પર સંકટ સર્જાશે. ઐતિહાસિક ધરોહર અને આર્થિક કરોડ રજ્જુ છે, વિકાસના નામે વિનાશ કેટલો યોગ્ય છે, તેવો વેપારી મંડળે રોષ ઠાલવ્યો હતો. સેવા અને સમર્પણની અવગણના નહીં કરવાની સાથે વેપારીઓની દુકાનો નહીં તોડી ન્યાય માટે સરકારને આક્રંદભરી અપીલ કરાઇ છે.
કપાસીયા બજાર માત્ર એક બજાર નથી,પરંતુ શહેરની 115 વર્ષ જૂની જીવંત વિરાસત છે. જે બજાર ભગવાન જગન્નાથની રથયાત્રાનું સદીઓથી સ્વાગત કરતું આવ્યું હોય,તેને અચાનક 'દબાણ'ગણી લેવું એ તાર્કિક રીતે ગળે ઉતરે તેમ નથી. આ બજાર એશિયાનું સૌથી મોટું ન્યુમેટીક અને ઇન્ડસ્ટ્રીયલ વાલ્વસનું હબ છે, જે ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતના ઉદ્યોગોને વેગ આપે છે. પાવર પ્લાન્ટથી માંડીને ફાર્મા અને ટેક્સટાઈલ મિલોના મશીનો આ બજારના કારણે ધબકતા રહે છે. વિકાસ ચોક્કસ જરૂરી છે,પરંતુ જે બજાર સરકારને કરોડોનો ટેક્સ ચૂકવે છે અને સેંકડો પરિવારોના ચૂલા સળગાવે છે, તેની આહુતિ આપીને થતો વિકાસ પ્રશ્નાર્થ ઊભો કરે છે.
કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં જ્યારે લોકો ઘરમાં કેદ હતા,ત્યારે આ બજારના વેપારીઓએ પોતાના જીવના જોખમે હોસ્પિટલો અને સ્મશાનગૃહો સુધી જરૂરી સામગ્રી પહોંચાડી હતી. આજે એ જ વેપારીઓ પોતાની દુકાનો બચાવવા સરકાર સામે કરગરી રહ્યા છે. ટ્રાફ્કિની સમસ્યા માટે આસપાસના બંધ બ્રિજ અને અન્ય દબાણો જવાબદાર છે, પરંતુ તેનો દોષનો ટોપલો આ જૂના બજાર પર ઢોળવામાં આવી રહ્યો છે. વેપારીઓએ અગાઉ પાર્કિંગ માટેની જગ્યા જતી કરીને સહકાર આપ્યો જ છે,ત્યારે હવે તેમના મૂળિયાં ઉખેડી નાખવા એ ન્યાયસંગત નથી. સરકારે માનવીય અભિગમ અપનાવી,આ ઐતિહાસિક બજાર અને તેની સાથે જોડાયેલી હજારો જીંદગીઓ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ.સરકારને નમ્ર વિનંતી છે કે, વિકાસના ચક્ર નીચે આ મધ્યમવર્ગીય વેપારીઓ અને કારીગરો કચડાઈ ન જાય તે જોવાની જવાબદારી તંત્રની છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો