calendar_todayJanuary 14, 2026
Ahmedabad:ઠગોના 12 બેંક ખાતા સામે 87 કરોડના ફ્રોડની NCCRP પોર્ટલ પર 135 ફરિયાદ
દેશભરમાં સાયબર ઠગોના 12 બેંક ખાતા સામે 87 કરોડના ફ્રોડની 135 ફરિયાદ નોંધાઈ છે, તે ગેંગના વધુ બે સાગરીતની સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમે ધરપકડ કરી બે મોબાઈલ ફોન અને બે ચેકબૂક જપ્ત કરી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ સાયબર ઠગ ટોળકીએ રાજકોટના બિઝનેસમેનને ઓનલાઈન શેરબજારમાં રોકાણ સામે સારા નફાની લાલચ આપી 26.66 કરોડનું ફ્રોડ આચર્યું હતું.
બિઝનેસમેનને શરૂઆતમાં 500 ડોલરના રોકાણ સામ 43 હજારની રકમ નફા સાથે વિડ્રો કરવા દઈ વિશ્વાસમાં લીધા બાદ છેતર્યા હતા. સાયબર સેન્ટર દ્વારા આ કેસમાં બેંક કર્મચારી સહિત સાતની અગાઉ ધરપકડ કરી હતી હવે ઉનાવાથી વધુ બે આરોપી રાજેશ ઉર્ફ કપિલ અને ધર્મેન્દ્રની ધરપકડ કરાઈ છે. આ સાથે કુલ નવ આરોપીઓને પકડીને ચાર કરોડની રકમ ફ્રીઝ કરી છે. પોલીસે પકડેલા આરોપીઓમાં મહેસાણાના રાજેશ ઉર્ફ કપીલ ચૌધરી અને ધર્મેન્દ્ર રાવલનો સમાવેશ થાય છે. રાજેશએ દ્વારકેશ ટ્રેડિંગના નામે ખોલાવેલી પોતાની પેઢીનું બેંક ખાતું આરોપીઓને ફ્રોડના નાણાં જમા કરાવવા આપ્યું જેમાં રૂ.1,27,78,153ની રકમ ફ્રોડની જમા થઈ, જે નાણાં વિડ્રો કરવામાં પણ આરોપીની ભૂમિકા હતી. આ જ રીતે ધર્મેન્દ્રએ એસ.એસ.એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર તરીકે પેઢી ખોલી તેનું બેંક ખાતું આરોપીઓને કમિશન લઈ ફ્રોડના નાણાં જમા કરાવવા આપ્યું હતું. આ બેંક ખાતામાં 63,41,169ની રકમ જમા થયાની વિગતો મળી છે. આમ, બંને આરોપીઓ કમિશન લઈ બેંક ખાતામાં જમા થતા ફ્રોડના નાણાં વિડ્રો કરી સાયબર ઠગો સુધી પહોંચાડતા હતા.
રાજકોટના બિઝનેસમેનને આરોપીઓએ વોટસએપ માધ્યમથી કોન્ટેક કરી શેરમાં રોકાણ માટે સેવા પ્રદાન કરતી કંપની FINALTO કંપનીના બોગસ વેબ પેજની લિંક મોકલી રજિસ્ટ્રેશન કરાવ્યું તેમજ જૂદા જૂદા બેંક ખાતાની વિગતો રોકાણ માટે મોકલી હતી. બિઝનેસમેનને શરૂઆતમાં 500 ડોલરના રોકાણ સામે 101 ડોલરનો નફો બતાવી 43 હજાર વિડ્રો કરવા દઈ વિશ્વાસમાં લીધા હતા. તે પછી અંદાજિત 27 કરોડથી વધુની રકમ જમા કરાવી ફ્રોડ આચર્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો