calendar_todayMay 14, 2026
Ahmedabad : ગુજરાતમાં 13 દિવસમાં 108 પર ઈમરજન્સી કોલ્સનો ભરાવો, હાઈ ફીવર અને લૂ લાગવાના કેસોમાં તોતિંગ વધારો
ગુજરાતમાં સૂર્યદેવતા આકરા પાણીએ હોય તેમ ગરમીએ માઝા મૂકી છે. મે માસની શરૂઆતથી જ રાજ્યમાં હીટવેવની ભયાનક અસર જોવા મળી રહી છે. છેલ્લા 13 દિવસમાં જ રાજ્યની 108 ઈમરજન્સી સેવાને ગરમીને લગતા કુલ 1170 કોલ મળ્યા છે, જે દર્શાવે છે કે કાળઝાળ ગરમી નાગરિકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની રહી છે.
સૌથી વધુ 1004 કેસ 'હાઈ ફીવર' ના નોંધાયા
સત્તાવાર આંકડાઓ મુજબ, આ 1170 કેસોમાં સૌથી વધુ 1004 કેસ 'હાઈ ફીવર' ના નોંધાયા છે, જ્યારે હીટ ઈલનેસ એટલે કે લૂ લાગવાને કારણે બીમાર પડવાના 82 કેસ સામે આવ્યા છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. અમદાવાદમાંથી કુલ 223 કોલ્સ મળ્યા છે, જેમાંથી 208 કેસ માત્ર હાઈ ફીવરના છે.
પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા અપીલ
આંકડાકીય વિશ્લેષણ મુજબ, 9 મે પછી ગરમીના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. 9 મેના રોજ રાજ્યમાં 103 કેસ હતા, જે 13 મે સુધીમાં વધીને 116 પર પહોંચ્યા છે. તેવી જ રીતે અમદાવાદમાં પણ 9 મેના 18 કેસની સામે 13 મેના રોજ 30 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો---- Ahmedabad મેટ્રોના સમયમાં થશે વધારો? PM મોદીની અપીલ બાદ તંત્ર એક્શનમાં, મોડી રાત સુધી ટ્રેન દોડાવવા વિચારણા