android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: વિરમગામમાં 18 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, અનેક સોસાયટીઓ અને રસ્તાઓ હજુ પાણીમાં ગરકાવ

calendar_todayJuly 26, 2026

Ahmedabad: વિરમગામમાં 18 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, અનેક સોસાયટીઓ અને રસ્તાઓ હજુ પાણીમાં ગરકાવ

અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં ચોમાસાના તોફાની સ્પેલ દરમિયાન મેઘરાજાએ મચાવેલા તાંડવે સમગ્ર શહેરની ડ્રેનેજ અને પાણી નિકાલ વ્યવસ્થાના ધજાગરા ઉડાડી દીધા છે. વિરમગામમાં છેલ્લા 3 દિવસ દરમિયાન 18 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતાં સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું હતું. આજે ચોથા દિવસે મેઘરાજાએ વિરામ લીધો છે અને આકાશ ઉઘાડું નીકળ્યું છે, પરંતુ આટલા કલાકો વિત્યા છતાં શહેરના નીચાણવાળા અને મુખ્ય વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરવાનું નામ લઈ રહ્યા નથી.

રહેણાંક વિસ્તારો બેટમાં ફેરવાયા

વિરમગામ શહેરના જૂની મિલની ચાલી, નવાપરા, કુંવરબા પાર્ક, ધાંચાની લાટી અને વિરમગામ-માંડલ રોડ પર હજુ પણ કમર અને ઢૂંટણસમા પાણી ભરાયેલાં છે. ઘરો અને દુકાનોની બહાર પાણી જ પાણી હોવાથી લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. સ્થિતિ એટલી વિકટ બની છે કે સામાન્ય દ્વિચક્રી કે ચારચક્રી વાહનો બંધ પડી રહ્યા છે. આ સંજોગોમાં સ્થાનિક રહીશો અને વેપારીઓ જરૂરિયાતી સામાન લાવવા કે ઇમરજન્સી કામગીરી માટે ટ્રેક્ટરોની મદદ લઈને પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.

 પાણી નિકાલની કામગીરી કરવાની માગ

વરસાદ રોકાઈ ગયા બાદ પણ સ્થાનિક વહીવટી તંત્ર કે નગરપાલિકા દ્વારા મોટા ડીવોટરિંગ પમ્પ મૂકીને પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવતો ન હોવાનો રહીશોએ ગંભીર આરોપ લગાવ્યો છે. દિવસો સુધી પાણી ભરાઈ રહેવાને કારણે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેથી રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. કંટાળેલા સ્થાનિકોએ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરીને તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: Valsad: નાનાપોંઢાના પંડોર-અંબાચમાં કોલક નદીના પૂરથી ભારે નુકસાન, ગામોમાં પાણી ઘૂસતાં શાળા અને ઘરોમાં વ્યાપક નુકસાન