android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: અસલાલીમાં લૂંટેરી દુલ્હન સહિત ત્રણ મહિલા યુવકના 2.25 લાખ પડાવી ફરાર

calendar_todayJanuary 5, 2026

Ahmedabad: અસલાલીમાં લૂંટેરી દુલ્હન સહિત ત્રણ મહિલા યુવકના 2.25 લાખ પડાવી ફરાર

અસલાલીના કાસીન્દ્રામાં રહેતા યુવક સાથે લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યા છે. જેમાં લગ્ન કરાવી આપવા ત્રણ ઠગ મહિલાઓએ રૂ. 2.25 લાખ યુવક પાસે પડાવી લીધા હતા અને યુવક સાથે 9 દિવસ રહ્યા બાદ યુવતી ભાગી ગઇ હતી. આ અંગે યુવકે ત્રણેય ઠગ મહિલા સામે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

કાસીન્દ્રાગામમાં રહેતો 41 વર્ષીય યુવક શાકભાજીનો ધંધો કરે છે. ગત 1 જાન્યુઆરીએ તેના મિત્ર રમેશે કહ્યું કે, તારે લગ્ન કરવા હોય તો ધોળકામાં સુમિત્રાબેન પરીખ છોકરીઓ બતાવી લગ્ન કરાવી આપે છે. જેથી યુવકે સુમિત્રાબેન સાથે સંપર્ક કરીને વાત કરતા તેમણે વડોદરાનાં નયનાબેન ભટ્ટની ઓળખ આપી હતી, જેથી યુવક ધોળકા મળવા જતા તે સમયે નયનાબેનનો ફોન આવ્યો અને કહ્યુ કે, તમારા માટે છોકરી જોઇ છે તેનું નામ શારદાબેન ગામીત છે, તેના પિતાને લકવો થતા પથારીવશ છે. તમારે પહેલા તેને આર્થિક મદદ કરવી પડશે. બાદમાં સુમિત્રાબેન, યુવક અને તેના સંબંધી શારદાબેનના ઘરે જતા બંને લગ્ન કરવા તૈયાર થયા હતા. ત્યારે સુમિત્રાબેને રૂ. 2.25 લાખ આપો તો લગ્ન કરાવી આપુ તેમ કહેતા યુવકે રૂ. 1.50 લાખ રોકડા આપતા નયનાબેન અને સુમિત્રાબેન શારદાને યુવકના ઘરે મૂકીને જતા રહ્યા હતા. જ્યારે યુવક પત્ની સાથે શરીરસંબંધ બાંધવા જતા તેને માતાજીની બાધા છે તે પૂર્ણ થયા બાદ અડવા દેશે તેવી વાત કરી હતી. બાદમાં યુવકે લગ્ન રજિસ્ટર કરવા અંગે કહેતા ત્રણેય ભેગા મળીને રૂ. 75 હજાર લઇને મેરેજ બ્યુરોમાં લગ્નની વિધિ કરીને ફોટો પડાવ્યા હતા. પરંતુ રજિસ્ટ્રેશન થયુ ન હતુ. જે બાદ ત્રણેયે કાગળોમાં સુધારો કરવાના બહાને શારદાને લઇ ગયા હતા અને બિમારી હોવાનું બહાનુ કાઢીને સાસરીમાં મોકલતા ન હતા. જેથી યુવક વડોદરા જતા ઠગ ટોળકીએ યુવકને ખોટા કેસમાં ફ્સાવી દેવાની ધમકી આપી હતી. જેથી આ અંગે યુવકે નયના, સુમિત્રા અને શારદા સામે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો