android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : ટ્રાફિક ફરજ ચાલુ રાખવા હપ્તાની માંગ, અમદાવાદ હોમગાર્ડના 2 કર્મચારી ACB ટ્રેપમાં ઝડપાયા

calendar_todayOctober 27, 2026

Ahmedabad : ટ્રાફિક ફરજ ચાલુ રાખવા હપ્તાની માંગ, અમદાવાદ હોમગાર્ડના 2 કર્મચારી ACB ટ્રેપમાં ઝડપાયા

અમદાવાદ શહેરમાં રખિયાલ-ગોમતીપુર E-ડિવિઝન હોમગાર્ડ યુનિટના ચાર કર્મચારીઓ સામે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક ફરજ ચાલુ રાખવા માટે માસિક હપ્તાની માંગણી કરીને કર્મચારીને ફરજ પરથી હટાવી દેવાયા બાદ ફરિયાદ થઈ હતી. છટકા દરમિયાન બે મહિનાના રૂ. 2,000 સ્વીકારતા બે કર્મી રંગેહાથ પકડાયા છે.

ચાર કર્મચારીઓ સામે લાંચ માંગવાનો ગંભીર મામલો

અમદાવાદના રખિયાલ-ગોમતીપુર E-ડિવિઝન હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા કર્મચારીઓ સામે લાંચ માંગવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ પ્રકરણમાં વિજયભાઈ બી. જાદવ, પંકજભાઈ લલ્લુભાઈ પરમાર, હર્ષમય જશવંતભાઈ સૂર્યવંશી અને તુષાર હસમુખ લેઉવાના નામ ખૂલ્યા છે. 

ટ્રાફિકની ફરજ પર ચાલુ રહેવા માટે દર મહિને રૂ. 1,000નો હપ્તો

ફરિયાદી કર્મચારીને ટ્રાફિકની ફરજ પર ચાલુ રહેવા માટે દર મહિને રૂ. 1,000નો હપ્તો ચૂકવવાનું કહેવામાં આવતું હતું. હપ્તો નહીં આપતાં ફરિયાદીને 20 જુલાઈ 2026ના રોજ ટ્રાફિકની ફરજ પરથી દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ બે મહિનાના હપ્તા પેટે રૂ. 2,000ની રકમ નક્કી કરવામાં આવી હતી.

ફરિયાદીએ લાંચ રુશ્વત વિરોધી બ્યુરો સમક્ષ જઈને ફરિયાદ કરી

લાંચની આ માંગણી અંગે ફરિયાદીએ લાંચ રુશ્વત વિરોધી બ્યુરો સમક્ષ જઈને ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાપુનગરના ભીડભંજન ત્રણ રસ્તા પાસે આવેલા ઇન્દુલાલ યાજ્ઞિક હોલના ગેટ આગળ આ ટ્રેપ ગોઠવાઈ હતી. આ ગોઠવાયેલા છટકા દરમિયાન હર્ષમય સૂર્યવંશી અને તુષાર લેઉવા રૂ. 2,000 સ્વીકારવા આવ્યા હતા. બંને કર્મચારીઓ ફરિયાદી પાસેથી લાંચની રકમ લેતાં જ રંગેહાથ પકડાઈ ગયા હતા.

હોમગાર્ડ યુનિટના ચારેય કર્મચારીઓ સામે કાર્યવાહી

એસીબીની ટીમે છટકા સ્થળેથી લાંચ પેટે લેવાયેલી રૂ. 2,000ની રકમ સંપૂર્ણ રિકવર કરી લીધી છે. આ સમગ્ર મામલામાં વિજયભાઈ બી. જાદવ અને પંકજભાઈ પરમારની ભૂમિકા પણ સામે આવી છે. રખિયાલ-ગોમતીપુર E-ડિવિઝન હોમગાર્ડ યુનિટના ચારેય કર્મચારીઓ સામે કાર્યવાહી તેજ બની છે. લાંચ સ્વીકારતા પકડાયેલા કર્મચારીઓ સામે કાયદેસરનાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે. સમગ્ર ઘટના સંદર્ભે એસીબી દ્વારા વધુ તપાસ સઘન રીતે હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા અન્ય પાસાંઓની પણ ઝીણવટભરી ચકાસણી શરૂ કરી દેવાઈ છે. 


આ પણ વાંચો :   Sandesh Digital Explainer : વોટની સાથે નોટની પણ લડાઈ, અમેરિકાની ચૂંટણીમાં અબજોપતિઓનું કરોડોનું દાન, વાંચો રસપ્રદ માહિતી