android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : શહેર કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જનતા રેડ, પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરે જ ચાલતા દારુના અડ્ડાને ખુલ્લો પાડ્યો

calendar_todayMarch 10, 2026

Ahmedabad : શહેર કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જનતા રેડ, પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરે જ ચાલતા દારુના અડ્ડાને ખુલ્લો પાડ્યો

અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરોના વધતા આતંકથી કંટાળેલા સ્થાનિક લોકોએ જાતે જ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

રહેવાસીઓએ પોતે જ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો

મળતી માહિતી મુજબ શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી બુટલેગરો દ્વારા દારૂનું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું હોવાની સ્થાનિક લોકો ફરિયાદ કરી રહ્યા હતા. છતાં આ બાબતે કોઈ અસરકારક કાર્યવાહી ન થતા અંતે સ્થાનિક રહેવાસીઓએ પોતે જ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.

 દારૂના અડ્ડા પર રેડ કરી

સ્થાનિક લોકોએ ભેગા થઈને વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરી હતી. આ દરમિયાન ત્યાંથી દારૂની પોટલીઓ તેમજ ઈંગ્લિશ દારૂના ક્વાર્ટરની બોટલો મળી આવી હતી.

પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરે રેડ કરી

ખાસ વાત એ છે કે આ દારૂનો અડ્ડો નજીકના પોલીસ સ્ટેશનથી માત્ર આશરે 200 મીટરના અંતરે ચાલતો હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે.

સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ

જનતા દ્વારા કરવામાં આવેલી આ રેડ દરમિયાન સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે.

બુટલેગરોના આતંકથી તેઓ લાંબા સમયથી પરેશાન

સ્થાનિક લોકોનું કહેવું છે કે બુટલેગરોના આતંકથી તેઓ લાંબા સમયથી પરેશાન હતા અને અનેક વખત પોલીસને જાણ કર્યા છતાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહોતા. હવે આ ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ગેરકાયદેસર દારૂ વેચાણ અંગે કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો----     Vadodara: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત, માગ કરતા સપ્લાય અડધો થતા વેટિંગ લિસ્ટ લંબાયું