calendar_todayMay 3, 2026
Ahmedabad સાયબર ક્રાઇમનો સપાટો: શેરબજારમાં 200% વળતરની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગના 3 સાગરીતો ઝડપાયા
અમદાવાદ શહેરમાં શેરબજારના નામે રોકાણ કરાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે જીતેન્દ્ર બુહા, શૈલેષ રાંગપરીયા અને પિયુષ સોલંકી નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ઠગ ટોળકીએ એક રોકાણકારને ટૂંકા સમયમાં 200 ટકા જેટલું માતબર વળતર અપાવવાની લાલચ આપી કુલ 17.90 લાખ રૂપિયાની સાયબર ઠગાઈ આચરી હતી.
વોટ્સએપ ગ્રુપ બનાવી બિછાવી હતી જાળ
આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે વિગતો આપતા સાયબર ક્રાઇમે જણાવ્યું હતું કે, ઠગબાજોએ વોટ્સએપ પર “Stock Market Forum 38” નામનું એક ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં શેરબજારના નિષ્ણાત હોવાનો ડોળ કરી નિર્દોષ લોકોને ઉંચા નફાની લાલચ આપી જાળમાં ફસાવવામાં આવતા હતા. રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે તેઓ શરૂઆતમાં નકલી પ્રોફિટ ચાર્ટ બતાવતા અને ત્યારબાદ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ભરાવી છેતરપિંડી આચરતા હતા.
સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી તપાસ તેજ કરી
17.90 લાખની છેતરપિંડીની ફરિયાદ મળતા જ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનની તપાસના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે અન્ય કેટલાય લોકો સાથે પણ આ પ્રકારે છેતરપિંડી આચરી હોવાની શક્યતા છે. સાયબર પોલીસે જનતાને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર મળતી અજાણી લિંક કે ઉંચા વળતરની લાલચ આપતા ગ્રુપથી સાવધ રહેવું અને કોઈપણ પ્રકારના રોકાણ પૂર્વે તેની સત્યતા તપાસવી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો