calendar_todayFebruary 10, 2026
Ahmedabad: મહાશિવરાત્રિ મેળો 2026, જૂનાગઢમાં ઉમટનારા શ્રદ્ધાળુઓ માટે એસટી નિગમ સજ્જ
ગરવા ગિરનારની ગોદમાં યોજાનારા પવિત્ર મહાશિવરાત્રિના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે એસટી નિગમ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2026માં 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ મિનિ કુંભ મેળામાં લાખોની જનમેદનીને ધ્યાને રાખીને નિગમે એક્સ્ટ્રા બસો અને વિશેષ ટ્રીપ્સની જાહેરાત કરી છે.
તળેટી સુધી પહોંચવું બનશે આસાન
મેળા દરમિયાન જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે શ્રદ્ધાળુઓને પરિવહનની કોઈ મુશ્કેલી ન પડે તે માટે મિનિ બસોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.જૂનાગઢ વિભાગની 30 અને અન્ય વિભાગોની 50 મળીને કુલ 80 મિનિ બસો સેવામાં રહેશે. શ્રદ્ધાળુઓ માટે અંદાજે 7,800 ટ્રીપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આશરે 3.70 લાખથી વધુ મુસાફરો એસટી બસ સેવાનો લાભ લે તેવી શક્યતા છે.
આંતરજિલ્લા જોડાણ માટે એક્સપ્રેસ બસો
જૂનાગઢની આસપાસના જિલ્લાઓમાંથી આવતા ભક્તો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.કુલ 115 એક્સપ્રેસ બસો દોડાવવામાં આવશે.જેમાં 65 બસો જૂનાગઢ વિભાગની અને 50 બસો અન્ય વિભાગોની ફાળવવામાં આવી છે.
આધુનિક મોનિટરિંગ અને કંટ્રોલ રૂમ
મેળાના સુચારુ સંચાલન અને મુસાફરોની સુરક્ષા માટે એસટી નિગમ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમામ બસોનું રીઅલ-ટાઇમ લોકેશન ટ્રેક કરવા માટે 24/7 GPS આધારિત કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બસોની સંખ્યા અને ટ્રિપ્સમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જેથી ભીડનું વ્યવસ્થાપન જળવાઈ રહે.