calendar_todayFebruary 18, 2026
Ahmedabad : રામોલમાં હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગના 3 લોકોને પોલીસે ઝડપ્યા, 4 આરોપી હજુ વોન્ટેડ
અમદાવાદના રામોલ વિસ્તારમાં હની ટ્રેપ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મહિલાઓની મદદથી નકલી પોલીસ બની લોકોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવતી ગેંગને રામોલ પોલીસે ઝડપી પાડી છે. આ કેસમાં હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4 આરોપીઓ હજુ વોન્ટેડ છે.
ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
રામોલ પોલીસની સતર્કતાના કારણે હની ટ્રેપ રેકેટનો પર્દાફાશ થયો છે. પકડાયેલા આરોપીઓ મહિલાઓ સાથે મળીને પહેલા સોશિયલ મીડિયા અને ફોન મારફતે લોકોને સંપર્ક કરતા અને બાદમાં હોટેલ કે ફ્લેટમાં બોલાવતા હતા. આ અંગે રામોલ પોલીસની ટીમને ચોક્કસ હકીકત મળતા ન્યુ મણીનગરના કર્ણાવતી એન્કલેવ ખાતે પહોંચી હતી. જ્યાં પીડિતને રૂબરૂ બોલાવી આરોપીઓ નકલી પોલીસ બની આવ્યા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 20 લાખની માગણી કરી હતી. પકડાયેલા ત્રણેય આરોપીઓની રામોલ પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપીઓએ પીડિતને માર મારી બળજબરીથી રૂપિયા 20 હજાર રોકડા વસૂલ્યા હતા. બાદમાં તે અંગે ફરિયાદ નોંધી રામોલ પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે.
આરોપીઓ હની ટ્રેપ માટે પત્ની, ગર્લફ્રેન્ડ અને માતાનો પણ ઉપયોગ કરતા
પોલીસ કસ્ટડીમાં ઉભા રહેલા આ આરોપીઓમાં ઉપેશ ઉર્ફે કાનો શાંતિભાઈ સરવૈયા, હિતેન ઉર્ફે બબુ મુકેશભાઈ ચૌહાણ અને અસ્ફાક ઈમ્તિયાઝભાઈ શેખ છે. જેમની પાસેથી પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 19.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ત્રણ ફોર વ્હીલર ગાડીઓ અને પાંચ મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા છે. જોકે આ કેસમાં અન્ય ચાર આરોપીઓની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં રવિન્દ્રકુમાર હડવદીયા મુખ્ય સૂત્રધાર છે. જ્યારે ગીતાબેન ગોહીલ, સંગીતાબેન ચૌહાણ અને નાઝ ઉર્ફે કિંજલ પટેલને વોન્ટેડ જાહેર કરી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
હાલ તો પકડાયેલા ત્રણેય આરોપીઓની પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ હની ટ્રેપ માટે પત્ની, ગર્લફ્રેન્ડ અને માતાનો પણ ઉપયોગ કરતા હતા. એટલું જ નહીં આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઈતિહાસ પણ રહેલો છે. જેમાં આવી જ મોડેસ ઓપરેન્ડીથી લોકો સાથે છેતરપિંડી કરતા હાલ તો રામોલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ તેજ કરી છે. સાથે જ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરવામાં આવી છે.