calendar_todayAugust 16, 2026
Ahmedabad: હું મીટિંગમાં છું, ફોન નહીં ઉપાડી શકું - માલિક બનીને ગઠિયાએ એકાઉન્ટન્ટ પાસે 30 લાખ પડાવી લીધા
અમદાવાદ શહેરમાં સાયબર કૌભાંડીઓએ હવે કોર્પોરેટ કંપનીઓ અને તેમના એકાઉન્ટન્ટ્સને નિશાન બનાવવાની નવી અને ખતરનાક પદ્ધતિ અપનાવી છે. ગાંધીનગરમાં રહેતા અને પાલડી સ્થિત એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા નિકુંજ ગાંધીને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. મેસેજ કરનારે પોતાના વોટ્સએપ પ્રોફાઇલ પિક્ચર (DP) માં નિકુંજના બોસ વિનોદભાઈનો ફોટો રાખ્યો હતો.
અમદાવાદમાં સાયબર ઠગાઈની નવી પેટર્ન
આરોપીએ પોતાને કંપનીના બોસ વિનોદભાઈ તરીકે ઓળખાવી મેસેજ કર્યો હતો કે, "હું અત્યારે એક મહત્વની મીટિંગમાં વ્યસ્ત છું, જેથી ફોન પર વાત કરી શકીશ નહીં." ત્યારબાદ ગઠિયાએ કંપનીની પેમેન્ટ ટ્રાન્સફર કરવાની લિમિટ વિશે માહિતી મેળવી હતી અને એક ઈમરજન્સી પાર્ટીને તાત્કાલિક પેમેન્ટ ચૂકવવાનું છે તેમ કહી બેંક એકાઉન્ટ ડિટેલ્સ મોકલી રૂ. 30 લાખ ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. ડીપીમાં બોસનો ફોટો હોવાથી નિકુંજે મેસેજને સાચો માની બેંક મારફતે ૩૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.રૂ. 30 લાખ મેળવી લીધા બાદ પણ સાયબર ગઠિયાની લાલચ શમી નહોતી. તેણે તાત્કાલિક બીજા રૂ. 20 લાખ ટ્રાન્સફર કરવાનો મેસેજ કર્યો હતો.
બોસનો ડીપી જોઈ એકાઉન્ટન્ટ છેતરાયો
જોકે, આ વખતે 20 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે ચેક પર બોસ વિનોદભાઈની સહી લેવી જરૂરી હોવાથી નિકુંજે ચેક બોસ પાસે મોકલી આપ્યો હતો.ચેક હાથમાં આવતા જ બોસ વિનોદભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને નિકુંજને સ્પષ્ટતા કરી હતી કે તેમણે કોઈ નાણાં ટ્રાન્સફર કરવા માટે મેસેજ કે સૂચના આપી જ નથી. આ સાંભળતા જ એકાઉન્ટન્ટ નિકુંજ ગાંધીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને પોતા સંગઠિત સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનો ભાંડો ફૂટ્યો હતો.બનાવ અંગે એકાઉન્ટન્ટ નિકુંજ ગાંધીએ તુરંત જ બેંકનો સંપર્ક કરી ખાતું હોલ્ડ કરાવવાનો પ્રયાસ કર્યો હતો અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.સાયબર પોલીસે જે ખાતામાં 30 લાખ ટ્રાન્સફર થયા છે તેના ટ્રાન્ઝેક્શન ટ્રેક કરી નાણાં હોલ્ડ કરાવવાની કવાયત હાથ ધરી છે.