calendar_todayFebruary 25, 2026
Ahmedabad : સાબરમતી જેલના 31 કેદીઓ આપશે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા
જેલની ચાર દિવાલોમાં પણ આજે શિક્ષણની ઉજાસ ફેલાઈ રહી છે. 26 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સમાજના મુખ્ય પ્રવાહથી દૂર ગણાતી જેલની અંદર પણ કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે. આદર્શ વિદ્યાલયની સાથે સંલગ્ન થઈને સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત અન્ય જેલોના કેદીઓ માટે ભવિષ્ય ઘડવાની એક નવી તક સર્જાઈ છે. જુઓ આ અહેવાલમાં.
પંજા હોલમાં બોર્ડની પરીક્ષા આપશે કેદીઓ
26 ફેબ્રુઆરીથી શરૂ થતી ગુજરાત બોર્ડ પરીક્ષામાં સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર રહેલા કેદીઓ પણ પરીક્ષા આપવાના છે. સાબરમતી જેલમાં ધોરણ 10માં 15 કેદીઓ અને ધોરણ 12માં 8 કેદીઓ પરીક્ષા આપશે. ઉપરાંત અન્ય જેલોના કેદીઓને જોડીને કુલ 31 કેદીઓ આ વર્ષે સાબરમતી જેલમાં આવેલા પંજા હોલમાં બોર્ડની પરીક્ષા આપવાના છે. ખાસ વાત એ છે કે આ સમગ્ર પરીક્ષા વ્યવસ્થા આદર્શ વિદ્યાલયની સાથે સંલગ્ન થઈને યોજવામાં આવી રહી છે. બોર્ડના તમામ નિયમો અનુસાર આદર્શ વિદ્યાલયને પરીક્ષા કેન્દ્ર તરીકે જોડવામાં આવ્યું છે, જેથી કેદીઓને નિયમિત વિદ્યાર્થીઓ જેવી જ બેઠક વ્યવસ્થા, સમયપાલન અને દેખરેખની તમામ સુવિધા મળી રહે.
સુરક્ષા માટે વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
જેલની અંદર જ પરીક્ષા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. પ્રશ્નપત્રોની સુરક્ષા, જવાબપત્રોની તપાસ, નિયુક્ત અધિકારીઓ દ્વારા દેખરેખ અને પરીક્ષા દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેલ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી ન રહે તે માટે વધારાનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જેલ તંત્રનું માનવું છે કે શિક્ષણ કેદીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું સૌથી અસરકારક સાધન છે. આદર્શ વિદ્યાલયની સાથે સંલગ્ન થઈને લેવાતી આ બોર્ડ પરીક્ષા કેદીઓ માટે માત્ર અભ્યાસ નહીં, પરંતુ સજા બાદ સમાજમાં ફરીથી સન્માનપૂર્વક જીવન જીવવાની આશા પણ છે. પરીક્ષા દરમિયાન કેદીઓ પર અનાવશ્યક માનસિક દબાણ ન આવે તે માટે જેલ સ્ટાફને સંવેદનશીલ રીતે વર્તવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા આપતા આ 31 કેદીઓ માટે આ એક પરીક્ષા નહીં, પરંતુ નવી જિંદગી તરફનો પહેલું પગથિયું છે.
કેદીઓ માટે પણ ભવિષ્ય ઘડવાની એક મહત્વપૂર્ણ તક
જેલની અંદર આદર્શ વિદ્યાલય સાથે સંલગ્ન થઈને યોજાતી આ બોર્ડ પરીક્ષા સમાજને સ્પષ્ટ સંદેશ આપે છે કે સજા સાથે સુધારાની તક પણ એટલી જ જરૂરી છે. જ્યારે જેલની ચાર દિવાલોમાં પણ શિક્ષણની ઉજાસ ફેલાય છે, ત્યારે અંધકારમાંથી બહાર આવવાની આશા જન્મે છે. આ રીતે આવતીકાલથી શરૂ થતી બોર્ડ પરીક્ષા શાળાના વિદ્યાર્થીઓ સાથે-સાથે જેલમાં રહેલા કેદીઓ માટે પણ ભવિષ્ય ઘડવાની એક મહત્વપૂર્ણ તક બની રહી છે.
આ પણ વાંચો : Rajkot News: ફુલછાબ ચોક પર મહિલા કાર ચાલકે અનેક લોકોને હડફેટે લીધા