calendar_todayJanuary 7, 2026
Ahmedabad: વસ્ત્ર્રાલ-રામોલ વિસ્તારમાં 31.24 કરોડના ખર્ચે નવી ટ્રંક લાઈન નખાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં આવતા વસ્ત્રાલ અને રામોલ વિસ્તારના રહીશો માટે રાહતના સમાચાર છે.
આ વિસ્તારમાં વર્ષોથી હેરાન કરતાં ડ્રેનેજ બેકિંગની સમસ્યાને દૂર કરવા માટે તંત્ર દ્વારા માઈક્રો ટનલીંગ પદ્ધતિથી 1600 મીમી ડાયાની નવી ડ્રેનેજ ટ્રંક મેઈન લાઈન નાંખવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે AMC દ્વારા અંદાજિત રૂ. 31,24,34,679 ના ખર્ચે આ કામગીરી પૂર્ણ કરશે. અત્યાર સુધી પાંજરાપોળ ચાર રસ્તાથી મઢુલી પાન પાર્લર સુધીની મુખ્ય ડ્રેનેજ લાઈન વસ્ત્ર્રાલના અંદરના રહેણાંક રોડ પરથી પસાર થતી હતી. આશરે 4.10 કિમી લાંબી આ લાઈનમાં લોડ વધવાને કારણે વારંવાર બેકિંગ થતું હતું, જેનાથી સ્થાનિક સોસાયટીઓના ગટરો ઉભરાતી હતી.
નવા આયોજન મુજબ, હવે ઔડા દ્વારા નાંખેલી લાઈનને પાંજરાપોળ ચાર રસ્તાથી વસ્ત્ર્રાલ મેટ્રો જંકશન થઈ રામોલ ટોલ પ્લાઝા પાસે આવેલ મઢુલી પાન પાર્લર સુધી 2.50 કિમીની લંબાઈમાં સીધી કનેક્ટ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ કામગીરી ટ્રેન્ચલેસ પદ્ધતિથી થવાની હોવાથી રસ્તાઓ ખોદ્યા વગર જ જમીનની અંદર ટનલ બનાવી લાઈન નંખાશે, જેથી ટ્રાફ્કિની સમસ્યા નહિવત રહેશે. સુમીનગર અને આર.ટી.ઓ. રોડની આસપાસની સોસાયટીઓમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા કાયમી ધોરણે હલ થશે. જેના સાથે જ મુખ્ય લાઈન ડાયવર્ટ થવાથી નિકોલ વોર્ડમાં થતા ડ્રેનેજ બેકિંગમાં પણ મોટો ઘટાડો નોંધાશે. આ નવી લાઈનને દુન પમ્પિંગ સ્ટેશન સાથે જોડવામાં આવશે, જેનાથી પમ્પિંગ સ્ટેશનની ક્ષમતાનો પૂરો ઉપયોગ થઈ શકશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો