android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: આવાસ યોજનામાં ભાડે આપેલા 35 મકાન સીલ, 372ને નોટિસ, 1000 મકાનોનું થશે ચેકિંગ

calendar_todayJanuary 27, 2026

Ahmedabad: આવાસ યોજનામાં ભાડે આપેલા 35 મકાન સીલ, 372ને નોટિસ, 1000 મકાનોનું થશે ચેકિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ માટે ફાળવવામાં આવેલા EWS (Economically Weaker Section) આવાસ યોજનાના મકાનોના દુરુપયોગ બદલ તંત્રએ કડક ઝુંબેશ હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવાસ યોજનાના મકાનોમાં મોટાપાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મકાન ભાડે આપનારા કે વર્ષોથી બંધ રાખનારા માલિકો સામે લાલ આંખ કરવામાં આવી છે.

EWS આવાસ યોજનાના મકાનોના દુરુપયોગ

અમદાવાદ હાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલે આ અંગે કડક સૂચનાઓ આપી છે. જે મકાન માલિકોએ સરકારી આવાસ મેળવ્યા બાદ તેમાં પોતે રહેવાને બદલે ભાડે આપી દીધા છે અથવા તો જે મકાનો લાંબા સમયથી બંધ હાલતમાં છે, તેવા તમામ મકાનોને સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નિયમ મુજબ, આ મકાનો જરૂરિયાતમંદો માટે છે, જો માલિક તેનો ઉપયોગ ન કરતો હોય તો તેની ફાળવણી રદ થઈ શકે છે.

આંકડાકીય વિગત અને આગામી ટાર્ગેટ

અત્યાર સુધીના ચેકિંગ દરમિયાન તંત્રએ આકરા પગલાં લીધા છે. અત્યાર સુધી 5,629 મકાનોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. નિયમોના ભંગ બદલ 372 મકાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. ગંભીર ઉલ્લંઘન બદલ 35 મકાનો સ્થળ પર જ સીલ કરી દેવાયા છે. અન્ય 63 મકાનોને અંતિમ નોટિસ આપવામાં આવી છે, જેમના પર સીલિંગની તલવાર લટકી રહી છે. તંત્ર દ્વારા આગામી એક મહિનામાં વધુ 1,000 મકાનોનું સઘન ચેકિંગ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

હાઉસિંગ કમિટીની ચેતવણી

હાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આવાસ યોજનાનો હેતુ જરૂરિયાતમંદ લોકોને છત પૂરી પાડવાનો છે, નહીં કે તેને રોકાણ કે કમાણીનું સાધન બનાવવાનો. આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ બનશે અને વધુ મકાનો સીલ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો:Surat: 13 ગુનામાં વોન્ટેડ રીતેશ ચૌગડ મધ્યપ્રદેશથી ઝડપાયો, સચિન-પાંડેસરામાંથી ડુપ્લીકેટ ચાવીથી ચોરતો હતો બાઇક