android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: વસ્ત્રાલના પાંજરાપોળ રોડ પર 4.10 કિ.મીમાં રૂ.31.24 કરોડના ખર્ચે નવી ટ્રંક લાઈન નાંખશે

calendar_todayJanuary 16, 2026

Ahmedabad: વસ્ત્રાલના પાંજરાપોળ રોડ પર 4.10 કિ.મીમાં રૂ.31.24 કરોડના ખર્ચે નવી ટ્રંક લાઈન નાંખશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં આવતા વસ્ત્રાલ અને રામોલ વિસ્તારના રહીશો માટે રાહતના સમાચાર છે.

આ વિસ્તારમાં વર્ષોથી હેરાન કરતાં ડ્રેનેજ બેકિંગની સમસ્યાને દૂર કરવા માટે તંત્ર દ્વારા માઈક્રો ટનલીંગ પદ્ધતિથી 1600 મીમી ડાયાની નવી ડ્રેનેજ ટ્રંક મેઈન લાઈન નાંખવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે AMC દ્વારા અંદાજિત રૂ. 31,24,34,679 ના ખર્ચે આ કામગીરી પૂર્ણ કરશે. અત્યાર સુધી પાંજરાપોળ ચાર રસ્તાથી મઢુલી પાન પાર્લર સુધીની મુખ્ય ડ્રેનેજ લાઈન વસ્ત્ર્રાલના અંદરના રહેણાંક રોડ પરથી પસાર થતી હતી. આશરે 4.10 કિમી લાંબી આ લાઈનમાં લોડ વધવાને કારણે વારંવાર બેકિંગ થતું હતું, જેનાથી સ્થાનિક સોસાયટીઓના ગટરો ઉભરાતી હતી. આ માટે અંદાજીત ભાવથી 50 ટકા ઓછા ભાવે ટેન્ડર આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. નવા આયોજન મુજબ, હવે ઔડા દ્વારા નાંખેલી લાઈનને પાંજરાપોળ ચાર રસ્તાથી વસ્ત્ર્રાલ મેટ્રો જંકશન થઈ રામોલ ટોલ પ્લાઝા પાસે આવેલ મઢુલી પાન પાર્લર સુધી 2.50 કિમીની લંબાઈમાં સીધી કનેક્ટ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ કામગીરી ટ્રેન્ચલેસ પદ્ધતિથી થવાની હોવાથી રસ્તાઓ ખોદ્યા વગર જ જમીનની અંદર ટનલ બનાવી લાઈન નંખાશે, જેથી ટ્રાફ્કિની સમસ્યા નહિવત રહેશે. સુમીનગર અને આર.ટી.ઓ. રોડની આસપાસની સોસાયટીઓમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા કાયમી ધોરણે હલ થશે. જેના સાથે જ મુખ્ય લાઈન ડાયવર્ટ થવાથી નિકોલ વોર્ડમાં થતા ડ્રેનેજ બેકિંગમાં પણ મોટો ઘટાડો નોંધાશે. આ નવી લાઈનને દુન પમ્પિંગ સ્ટેશન સાથે જોડવામાં આવશે, જેનાથી પમ્પિંગ સ્ટેશનની ક્ષમતાનો પૂરો ઉપયોગ થઈ શકશે.

શું છે માઈક્રો ટનલિંગ પદ્ધતિ અને કેવી રીતે કામ કરે છે ?

ટ્રાફ્કિ અને રોડ-રસ્તાને નુકસાન ઘટાડવા માટે હવે માઈક્રો ટનલીંગ પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ પદ્ધતિ પરંપરાગત 'ઓપન કટ' પદ્ધતિ (જેમાં આખો રોડ ખોદવામાં આવે છે) કરતા ઘણી અલગ અને આધુનિક છે. આ પદ્ધતિમાં આખો રોડ ખોદવાને બદલે માત્ર નિશ્ચિત અંતરે બે ખાડા પાડવામાં આવે છે - એક જ્યાંથી મશીન અંદર જાય અને બીજું જ્યાંથી તે બહાર નીકળે. મુખ્ય માર્ગો પર ટ્રાફ્કિ જામની સમસ્યા સર્જાતી નથી, કારણ કે રસ્તાની સપાટી ઉપર કોઈ કામગીરી થતી નથી. જમીનની અંદર લેઝર ગાઈડેડ મશીનરી દ્વારા પાઈપ લાઈન નાખવામાં આવતી હોવાથી ભૂલની શક્યતા નહિવત રહે છે.

ક્યા વિસ્તારોમાં આ પદ્ધતિથી કામગીરી કરવામાં આવે છે

AMC દ્વારા ખાસ કરીને એવા વિસ્તારોમાં આ પદ્ધતિ વપરાય છે જ્યાં વસ્તી ગીચ છે અથવા જે મુખ્ય ટ્રાફ્કિ જંકશન છે. જેમાં મુખ્યત્વે પશ્ચિમ વિસ્તારમાં એસ.જી. હાઈવેની આસપાસ અને જોધપુર-સેટેલાઈટ જેવા વિસ્તારોમાં જ્યાં મોટા વ્યાસની ડ્રેનેજ લાઈન નાખવાની હોય ત્યાં આ ટેકનોલોજી વપરવામાં આવી છે. તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પાસેની ગટર લાઈનોના ઇન્ટરસેપ્શન માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ કરાયો છે. હવે વસ્ત્રાલ અને રામોલ માઈક્રો ટનલીંગ પદ્ધતિથી 1600 મીમી ડાયાની નવી ડ્રેનેજ ટ્રંક મેઈન લાઈન કામગીરી હાથ ધરવામાં આવશે. જેનાથી પૂર્વ વિસ્તારમાં વારંવાર સર્જાતી ડ્રેનેજ બેકિંગની સમસ્યાનો અંત આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો