android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : નારોલથી ગોવિંદવાડીનો 400 મીટરનો રસ્તો બિસ્મારઃ વાહનચાલકોને હાલાકી

calendar_todayOctober 11, 2026

Ahmedabad : નારોલથી ગોવિંદવાડીનો 400 મીટરનો રસ્તો બિસ્મારઃ વાહનચાલકોને હાલાકી

અમદાવાદના અતિ વ્યસ્ત મનાતા નારોલથી ગોવિંદવાડી વિસ્તાર વચ્ચેનો આશરે 400 મીટરનો માર્ગ છેલ્લા કેટલાક સમયથી અત્યંત દયનીય હાલતમાં ફેરવાઈ ગયો છે. ગોવિંદવાડીમાં પ્રકાશ વિદ્યાલય નજીક 132 ફૂટના રિંગ રોડના મોડલ રોડનો છેડો જ્યાં પૂરો થાય છે, ત્યાંથી નારોલ સર્કલ સુધીનો આ ટૂંકો માર્ગ જાણે વર્ષોથી બન્યો જ ન હોય તેવું પ્રતીત થાય છે. રસ્તા પર પડેલા મોટા ખાડા, કપચી અને બંને બાજુના દબાણોથી અકસ્માતનો સતત ભય રહે છે. શહેરના અન્ય વિસ્તારોમાં જ્યારે નવા ડામરના રસ્તાઓ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આટલા ટૂંકા માર્ગની સતત ઉપેક્ષા થઈ રહી છે. રસ્તા પર ડામર કે કપચીનું યોગ્ય સ્તર ન હોવાને કારણે માટીના ઢગલા અને ખડકાળ પથ્થરો વચ્ચેથી વાહનચાલકોને પસાર થવાની લાચારી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત, રસ્તાની બંને બાજુએ ટાયરો, ભંગારનો સામાન અને વાહનોના કાચા-પાકા દબાણો ખડકાયેલા હોવાને કારણે માર્ગ વધુ સાંકડો બની ગયો છે. સ્થાનિકો અને વાહનચાલકોની મુખ્ય માગ છે કે, 132 ફૂટના રિંગરોડના મોડલ રોડને નારોલ સર્કલ સુધી લંબાવવામાં આવે. આ 400થી 500 મીટરના માર્ગનું વહેલી તકે નવીનીકરણ થાય. સાથે જ, રસ્તા પરના તમામ ગેરકાયદે દબાણો અને ભંગાર હટાવવામાં આવે તો હજારો વાહનચાલકોની મુશ્કેલીઓનો કાયમી અંત આવી શકે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો