calendar_todayApril 6, 2026
Ahmedabad: મેમનગરની ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં દાબેલી-પાણીપુરી ખાતા ફૂડ પોઈઝનિંગઃ 57ને અસર
મેમનગરની ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં દાબેલી અને પાણીપુરી ખાધા બાદ 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા દોડધામ મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં તમામ વિદ્યાર્થિનીઓને સારવાર અપાઈ છે, જેમાંથી હાલ 18 વિદ્યાર્થિનીઓ હોસ્પિટલમાં દાખલ છે. AMC દ્વારા પાણી અને ખોરાકના સેમ્પલ લઈને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. AMC હેલ્થ વિભાગે જણાવ્યું કે, મેમનગરમાં આવેલી સરદાર પટેલ ગર્લ્સ હોસ્ટેલમાં 900 વિદ્યાર્થિનીઓ રહે છે, જેમાંથી કુલ 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. આ પૈકી 36ને પ્રાથમિક સારવાર આપી રજા અપાઈ છે, જ્યારે 21 વિદ્યાર્થિનીઓની હાલત વધુ ગંભીર જણાતા તેમને દાખલ કરવામાં આવી હતી. તેમાંથી 3ની તબિયતમાં સુધારો થતા ડિસ્ચાર્જ કરાઈ છે, જ્યારે 18 વિદ્યાર્થિનીઓ હજુ પણ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. અમુક વિદ્યાર્થિનીઓનું બ્લડ પ્રેશર વધ-ઘટ થતું હોવાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને શુક્રવારથી જ પેટમાં સામાન્ય દુખાવાની ફરિયાદ હતી. શરૂઆતમાં વિદ્યાર્થિનીઓએ તેને સામાન્ય ગણી જાતે જ દવાઓ લઈ લીધી હતી. જોકે, રવિવારે અચાનક વિદ્યાર્થિનીઓને ઝાડા-ઉલટી, અશક્તિ અને તાવ જેવા લક્ષણો જણાતા તમામને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો