android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: 63 વર્ષ જૂના સંત વિનોબાનગરના મકાનોના રિ-ડેવલપમેન્ટ માટે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો

calendar_todayJanuary 19, 2026

Ahmedabad: 63 વર્ષ જૂના સંત વિનોબાનગરના મકાનોના રિ-ડેવલપમેન્ટ માટે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો

શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી જૂના અને જોખમી મકાનોના રિ-ડેવલપમેન્ટ માટે વ્યાપક કામગીરી ચાલી રહી છે.

અનેક વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિ-ડેવલપમેન્ટ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે, ત્યારે અમરાઈવાડીમાં આવેલ સંત વિનોબાનગર યુનિ. ફ્લેટ્સના રહીશો છેલ્લા લાંબા સમયથી માત્ર આશ્વાસનોમાં જ અટવાયા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. સંત વિનોબાનગર ફ્લેટ્સ અંદાજે 63 વર્ષ જૂના છે. અહીં કુલ 17 બ્લોકમાં 440 મકાનો છે અને અંદાજે 2,500 જેટલા લોકો વસવાટ કરે છે. હાલ આ તમામ મકાનો અત્યંત જર્જરિત હાલતમાં છે. દીવાલોમાં મોટી તિરાડો, છતમાંથી સતત પાણી ટપકવું, સ્લેબ, બીમ અને પિલરમાં ભાંગફેડ જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે. કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ વચ્ચે રહીશો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે.

આ અંગે રહીશોએ જણાવ્યું કે, રિ-ડેવલપમેન્ટ માટે તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સિટી એન્જિનિયર વિભાગ, ડેપ્યુટી કમિશનર કચેરી, એસ્ટેટ ડી.ડી.ઓ. વિભાગ સહિતના વિવિધ વિભાગોમાં 2024 અને 2025 દરમિયાન અનેક વખત લેખિત અરજીઓ કરી છે. તા.17-06-25, 19-06-25, 29-08-24 અને 04-10-24ના રોજ ઇનવર્ડ નંબર સાથે અરજીઓ આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. શહેરના અન્ય વિસ્તારોમાં જૂના મકાનોને તોડી નવી બહુમાળી ઇમારતો ઊભી કરી રિ-ડેવલપમેન્ટ કરવામાં આવી રહી છે, ત્યારે સંત વિનોબાનગરના રહીશો સાથે થતા વિલંબને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મકાનોમાં રહેતા મોટા ભાગના લોકો ગરીબ અને મધ્યમ વર્ગના હોવાથી ખાનગી રીતે મરામત કરવી પણ તેમના માટે શક્ય નથી. તેવી સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

વિરોધ પ્રદર્શન વ્યક્ત કરી આવેદન આપવામાં આવ્યુ

સંત વિનોબાનગર રિ-ડેવલપમેન્ટ કમિટી દ્વારા AMCની દાણાપીઠ કચેરી ખાતે રિ-ડેવલપમેન્ટનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. સાથે જ ન્યાયની માંગ સાથે શાંતિપૂર્ણ દેખાવ પણ કરવામાં આવ્યો હતો. જો તાત્કાલિક રિ-ડેવલપમેન્ટ પ્રક્રિયા શરૂ નહીં થાય તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે મ્યુનિસિપલ તંત્ર સંત વિનોબાનગરના રહીશોની સલામતીને પ્રાથમિકતા આપી ક્યારે પગલા ભરે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો