android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabadમાં ચોમાસામાં રોગચાળાનો વિસ્ફોટ, સોલા સિવિલમાં માત્ર 7 જ દિવસમાં 15,000થી વધુ દર્દીઓ ઉમટ્યા!

calendar_todaySeptember 1, 2026

Ahmedabadમાં ચોમાસામાં રોગચાળાનો વિસ્ફોટ, સોલા સિવિલમાં માત્ર 7 જ દિવસમાં 15,000થી વધુ દર્દીઓ ઉમટ્યા!

અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ જામતાની સાથે જ રોગચાળો ભારે વકર્યો છે. ભેજવાળા વાતાવરણ અને પાણીના ભરાવાને કારણે શહેરમાં વાયરલ, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં કુદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી (OPD) કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. હોસ્પિટલના આંકડા અનુસાર, માત્ર 17 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધીના 7 દિવસના ટૂંકા ગાળામાં જ 15,439 દર્દીઓએ સારવાર અર્થે સોલા સિવિલની મુલાકાત લીધી હતી, જેના કારણે હોસ્પિટલ પરિસર દર્દીઓથી ઊભરાઈ ગયું છે.

મચ્છરજન્ય અને વાયરલ રોગોનો આતંક

સોલા સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધુ પ્રમાણ મચ્છરજન્ય રોગોનું જોવા મળી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં જ સોલા સિવિલમાં ડેન્ગ્યુના આશ્ચર્યજનક રીતે 140 કેસો નોંધાયા છે, જ્યારે મેલેરિયાના 14 દર્દીઓ સામે આવ્યા છે. આ ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં પણ ચિંતાજનક વધારો નોંધાયો છે. હોસ્પિટલમાં માત્ર એક જ અઠવાડિયા દરમિયાન સ્વાઈન ફ્લૂના 9 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે, જેથી તબીબો અને આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

પાણીજન્ય રોગોમાં પણ ઉછાળો

મચ્છરજન્ય અને વાયરલ રોગોની સાથોસાથ દૂષિત પાણી અને ખોરાકને કારણે થતા પાણીજન્ય રોગોના દર્દીઓ પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી રહ્યા છે. સાત દિવસના આંકડા મુજબ ઝાડા-ઉલટીના 52 કેસ, ટાઈફોઈડના 4 કેસ તેમજ કમળાના લક્ષણો ધરાવતા હેપેટાઈટિસ A ના 2 અને હેપેટાઈટિસ E નો 1 કેસ નોંધાયો છે. રોગચાળાના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને સોલા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અને લોકોને ઉકાળેલું પાણી પીવા તથા મચ્છરોથી બચાવ કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Jamnagar News : તહેવારો ટાણે ફૂડ વિભાગનો સપાટો, 152 સ્થળોએ તપાસ, 353 કિલો વાસી ખોરાકનો કરાયો નાશ...