android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : ગુજરાતમાં 731 બેઠકો પર બિનહરીફ વિજેતાઓ વિરુદ્ધ હાઈકોર્ટમાં ધા, NOTA મુદ્દે મોટો વળાંક

calendar_todayMay 5, 2026

Ahmedabad : ગુજરાતમાં 731 બેઠકો પર બિનહરીફ વિજેતાઓ વિરુદ્ધ હાઈકોર્ટમાં ધા, NOTA મુદ્દે મોટો વળાંક

ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ હવે કાનૂની જંગ શરૂ થયો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક 731 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા બાદ આ મામલો હવે ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, 'બિનહરીફ' થવાની પદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવતી એક જાહેર હિતની અરજી (PIL) ફાઈલ કરવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

મતદારોનો અધિકાર છિનવાયો હોવાનો આક્ષેપ

અરજદાર દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, આટલી મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થવી એ લોકશાહીની પ્રક્રિયા સામે પ્રશ્નાર્થ ચિહ્ન સમાન છે. અરજદારનો મુખ્ય તર્ક એ છે કે જ્યારે કોઈ ઉમેદવાર બિનહરીફ જાહેર થાય છે, ત્યારે તે બેઠક પરના સામાન્ય મતદારોનો 'મતાધિકાર' છિનવાઈ જાય છે. મતદારોને પોતાની પસંદગી વ્યક્ત કરવાની તક મળતી નથી, જે બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ છે.

NOTA ને ઉમેદવાર ગણવાની માગ

આ અરજીમાં સૌથી મહત્વનો મુદ્દો NOTA ને લઈને ઉઠાવવામાં આવ્યો છે. અરજદારે માગ કરી છે કે ભલે સામે કોઈ હરીફ ઉમેદવાર ન હોય, તેમ છતાં ચૂંટણી યોજવી જોઈએ અને NOTA ને પણ ઉમેદવાર તરીકે ગણવો જોઈએ. જો NOTA ને મળેલા મતો ઉમેદવાર કરતા વધારે હોય, તો ત્યાં ફરીથી ચૂંટણી યોજવી જોઈએ. માત્ર એક જ ફોર્મ હોવાના આધારે સીધા વિજેતા જાહેર કરી દેવાની પદ્ધતિને પડકારવામાં આવી છે.

ચૂંટણી પંચ પાસે જવાબની અપેક્ષા

ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી આ અરજીમાં ચૂંટણી પંચની ભૂમિકા સામે પણ સવાલો કરાયા છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે. જો હાઈકોર્ટ આ અરજી સ્વીકારે છે, તો ભવિષ્યમાં ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા અને બિનહરીફ જાહેર થવાની પદ્ધતિમાં મોટા ફેરફારો આવી શકે છે. હાલ તો આ 731 વિજેતાઓના ભવિષ્ય પર કાનૂની લટકતી તલવાર જેવી સ્થિતિ સર્જાઈ છે.


આ પણ વાંચો----  West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન