calendar_todayJanuary 2, 2026
Ahmedabad: AMC ગાર્ડન મામલે વિવાદ, રૂ.250 કરોડના પ્રોજેક્ટમાં નિયમોના ઉલાળિયાના આક્ષેપ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગમાં કરોડો રૂપિયાના ટેન્ડર મામલે ગંભીર વિવાદ ઉભો થયો છે. શહેરના બગીચાઓની જાળવણી અને સાધન-સામગ્રી માટે બહાર પાડવામાં આવેલા ₹250 કરોડના ટેન્ડરમાં શરતોનો ભંગ થયો હોવાની ફરિયાદ ઉઠતા મનપામાં ખળભળાટ મચી ગયો છે.
નીલકંઠ એજન્સીના ગંભીર આક્ષેપો
આ સમગ્ર મામલે નીલકંઠ એજન્સી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક લેખિત પત્ર પાઠવીને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એજન્સીનો દાવો છે કે ટ્રેક્ટર-ટ્રોલી સહિતની મશીનરી માટે જે ₹250 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, તેમાં ટેન્ડરની મૂળભૂત શરતો અને નિયમોનો સરેઆમ ઉલાળિયો કરવામાં આવ્યો છે. પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે અને ચોક્કસ હિતોને સાધવા માટે નિયમોમાં બાંધછોડ કરવામાં આવી છે. એજન્સીએ આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.
મનપા સત્તાધીશોનો લૂલો બચાવ
આ વિવાદ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નીલકંઠ એજન્સી દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા અને ખોટા છે. જોકે, મામલો ગંભીર હોવાથી અને કરોડોની રકમ જોડાયેલી હોવાથી, મનપા કમિશનરે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીને આ મામલે તપાસ સોંપી છે. ટેન્ડર પ્રક્રિયાના તમામ પાસાઓ અને એજન્સી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
તો બીજી તરફ તંત્રનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ અનિયમિતતા જણાઈ નથી, પરંતુ ફરિયાદ મળી હોવાથી નિયમ મુજબ તપાસ હાથ ધરવામાં આવશે.