android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : લાલ દરવાજા AMTSબસ સ્ટેન્ડ ખાતે ડિજિટલ ટાઇમ ટેબલ બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યા

calendar_todaySeptember 14, 2026

Ahmedabad : લાલ દરવાજા AMTSબસ સ્ટેન્ડ ખાતે ડિજિટલ ટાઇમ ટેબલ બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યા

અમદાવાદ શહેરના હૃદયસમા અને સૌથી વ્યસ્ત ગણાતા લાલ દરવાજા AMTSબસ ટર્મિનસ ખાતે મુસાફરોની સુવિધા માટે મૂકવામાં આવેલા આધુનિક ડિજિટલ સમય સારણી) બોર્ડ માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. નવા લાલ દરવાજા બસ સ્ટેન્ડનું નિર્માણ કરીને તેને મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારથી લઈને આજદિન સુધી આ ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ બંધ હાલતમાં જ લટકી રહ્યા છે, જેના કારણે રોજના હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહત્વનું છે કે લાલ દરવાજા ટર્મિનસ પરથી શહેરના ખૂણે-ખૂણે જવા માટે દરરોજ હજારો નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ બસ પકડે છે. મુસાફરોને કઈ બસ કેટલા વાગે આવશે અને કયા પ્લેટફોર્મ પરથી મળશે તેની સરળ માહિતી મળી રહે તે હેતુથી લાખોના ખર્ચે આ ડિજિટલ બોર્ડ લગાવાયા હતા. જોકે, આ બોર્ડ શરૂ જ ન કરાતા મુસાફરોને બસ સમયસર મળશે કે કેમ તેની માહિતી માટે પૂછપરછ કેબિન અથવા અન્ય લોકો પર નિર્ભર રહેવું પડે છે.

મુસાફરોનું કહેવું છે કે નવું બસ સ્ટેન્ડ બન્યું ત્યારે ડિજિટલ સિસ્ટમથી મોટી રાહત મળશે તેવી આશા હતી, પરંતુ તંત્રની આળસ અને યોગ્ય જાળવણીના અભાવે આ સુવિધા કાગળ પર જ રહી ગઈ છે. બસ સ્ટેન્ડમાં પ્લેટફોર્મ પર લટકાવેલા બ્લેન્ક ડિસ્પ્લે બોર્ડ તંત્રની ઘોર બેદરકારીની ચાડી ખાઈ રહ્યા છે.લાખો રૂપિયાના ખર્ચે મુકાયેલી આ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ થાય અને મુસાફરોને ડિજિટલ બોર્ડ દ્વારા બસના સમયની સાચી માહિતી ત્વરિત મળે તે માટે AMTS અને મ્યુનિસિપલ કોર્પોરેશન વહેલી તકે આ બોર્ડ કાર્યરત કરે તેવી લોક માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો