calendar_todayMay 2, 2026
Ahmedabad: વટવા GIDCમાં બંધ ચાની લારીમાં ચાલતું હતું દારૂનું 'પાર્લર', PCB એ ત્રાટકી 2.55 લાખનો જથ્થો કબજે કર્યો
અમદાવાદ શહેરના વટવા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. પીસીબી (PCB) ની ટીમે વટવા GIDC ફેઝ-2 માં આવેલા ટોરેન્ટ સબ સ્ટેશન પાસે એક બંધ ચાની લારી પર દરોડો પાડીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો પકડી પાડ્યો છે.
વટવા GIDCમાં બંધ ચાની લારી પર દરોડો
ચોક્કસ બાતમીના આધારે PCBની ટીમે વટવા GIDC ફેઝ-2 માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અહીં સબ સ્ટેશન નંબર 19 પાસે પ્લોટ નંબર 244 થી 251 ની વચ્ચે એક ચાની લારી લાંબા સમયથી બંધ હાલતમાં હતી. પોલીસને શંકા ગઈ કે આ લારીનો ઉપયોગ દારૂ છુપાવવા માટે કરવામાં આવે છે. જ્યારે લારી ખોલીને તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લારીની અંદર દારૂની બોટલોનો ખડકલો કરવામાં આવ્યો હતો.
મુદ્દામાલની વિગત
પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી સીલબંધ કુલ 627 બોટલો કબજે કરી છે. આ દારૂના જથ્થાની કુલ બજાર કિંમત રૂપિયા 2,55,174/- અંકાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી ફરાર, પોલીસે શરૂ કરી તપાસ
દરોડા દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો ઉગ્રસેનસિંગ ઉર્ફે અજય રવિકરણસિંગ રાજપુત (રહે. ટંકાર રેસીડન્સી, વટવા) દ્વારા મંગાવવામાં આવ્યો હતો. જોકે, પોલીસની રેડ પહેલા જ આરોપી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે આ લિસ્ટેડ બૂટલેગરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વટવા GIDC પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.