calendar_todayMarch 12, 2026
Ahmedabad રેલવે સ્ટેશન પર નકલી ટિકિટ કૌભાંડ , IRCTC એજન્ટ બની ઠગાઈ કરતો શખ્સ ઝડપાયો
અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને નકલી ટિકિટ આપી ઠગાઈ કરનાર એક આરોપીની રેલવે પોલીસે ધરપકડ કરી છે. આરોપી પોતાને IRCTC નો એજન્ટ તરીકે ઓળખ આપી મુસાફરોને ટિકિટ આપવાના બહાને રૂપિયા પડાવી લેતો હતો.
કન્ફર્મ ટિકિટ અપાવવાની ખાતરી આપી રોકડા રૂપિયા વસૂલ કરતો
પકડાયેલ આરોપીનું નામ ઉપેન્દ્ર દ્વિવેદી હોવાનું સામે આવ્યું છે. તે મૂળ મધ્યપ્રદેશના રિવાનો રહેવાસી છે. આરોપી અમદાવાદ રેલવે સ્ટેશન પર ટિકિટ લેવા માટે આવેલા મુસાફરોને ટાર્ગેટ કરતો અને તેમને કન્ફર્મ ટિકિટ અપાવવાની ખાતરી આપી રોકડા રૂપિયા વસૂલ કરતો હતો.
મુસાફરે ભાંડો ફોડ્યો
માહિતી મુજબ, આરોપી મુસાફરોને ટિકિટ પણ આપતો હતો પરંતુ તે ટિકિટ સંપૂર્ણપણે બનાવટી હતી. આવી જ રીતે તેણે વિજય કુમાર નામના મુસાફરને નકલી ટિકિટ આપી હતી. જ્યારે મુસાફરે ટિકિટની ચકાસણી કરી ત્યારે તે બનાવટી હોવાનું સામે આવ્યું. ત્યારબાદ મુસાફરે રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો.
ગુગલ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને બનાવટી રેલવે ટિકિટ તૈયાર કરતો
ફરિયાદ મળતા જ પોલીસે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ નંબરના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીની ઓળખ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મોબાઈલમાં ગુગલ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને બનાવટી રેલવે ટિકિટ તૈયાર કરતો અને તેની પીડીએફ ફાઇલ મુસાફરોને મોકલી આપતો હતો.
400થી વધુ મુસાફરો સાથે આવી રીતે છેતરપિંડી કરી
પૂછપરછ દરમિયાન વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે આરોપીએ છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે 400 થી વધુ મુસાફરો સાથે આવી રીતે છેતરપિંડી કરી છે. રકમ ઓછી હોવાના કારણે ઘણા લોકો ફરિયાદ કરવાનું ટાળતા હતા.
અલગ અલગ શહેરોમાં ઠગાઇ કરી
આરોપીએ અમદાવાદ સિવાય સુરત, ભરુચ, અંકલેશ્વર, અને વડોદરા સહિતના રેલવે સ્ટેશનો પર પણ ઠગાઈ કરી હોવાની કબૂલાત કરી છે. હાલ રેલવે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો---- Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે