android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: રોડ બનાવતા પહેલાં યુટિલિટી લાઇનનો સર્વે કરાશે, ફૂટપાથ અને પાર્કિંગની જગ્યા તપાસાશે

calendar_todayOctober 12, 2026

Ahmedabad News: રોડ બનાવતા પહેલાં યુટિલિટી લાઇનનો સર્વે કરાશે, ફૂટપાથ અને પાર્કિંગની જગ્યા તપાસાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યપ્રણાલી પર અવારનવાર સવાલો ઊભા થતા રહ્યા છે.શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા રોડ રસ્તાઓ તૈયાર કરવામાં આવે અને તેના ગણતરીના દિવસોમાં જ કોઈને કોઈ કામગીરી અર્થે તેને ખોદી નાખવામાં આવે તેવા દ્રશ્યો અમદાવાદીઓ માટે નવા નથી.પાણી વહી ગયા બાદ પાળ બાંધવા જેવા તંત્રના વલણ વચ્ચે હવે જાગેલા મ્યુનિસિપલ કોર્પોરેશને રોડ નિર્માણની કામગીરીને લઈને એક નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી છે.

નવા રોડ બનાવતા પહેલા યુટિલિટી લાઈન તપાસવી પડશે

મનપા દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર,હવે શહેરમાં કોઈ પણ નવો રોડ ડિઝાઈન કે પ્રપોઝ કરવામાં આવે તે પહેલાં જ જે-તે વિસ્તારની તમામ પ્રકારની યુટિલિટી લાઈનો અંગે ઝીણવટભરી તપાસ કરીને તેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.રોડ બન્યા પછી ગેસ, ડ્રેનેજ, પાણી કે વિજળીની લાઈનો નાખવા માટે વારંવાર થતા ખોદકામથી પ્રજાના નાણાંનો વ્યય અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે.નવી SOP મુજબ,રોડ નિર્માણની ડિઝાઈન નક્કી કરતી વખતે આસપાસની ફૂટપાથ અને પાર્કિંગ માટેની જગ્યાઓ અંગે પણ પૂર્વ-સર્વે કરીને રિપોર્ટ સબમિટ કરવો પડશે. 

સોઇલ ટેસ્ટ અને ટ્રાફિક સર્વે ફરજિયાત

આ ઉપરાંત, રોડની મજબૂતી અને ટકાવપણું જળવાઈ રહે તે માટે ડિઝાઈન આખરી કરતા પહેલાં જમીનની માટીનું પરીક્ષણ એટલે કે સોઈલ ટેસ્ટ કરાવવું પણ હવેથી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.જે-તે માર્ગ પરથી પસાર થતા વાહનોની સંખ્યા અને ભારને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે.રોડ પર સામાન્ય મધ્યમ કે હેવી ટ્રાફિક રહે છે તે અંગેનો વિગતવાર ટ્રાફિક સર્વે કરવો પડશે, જેથી રોડની ગુણવત્તા અને જાડાઈ તે મુજબ નક્કી કરી શકાય.શહેરમાં અનેક વિસ્તારોમાં લાખો-કરોડોના ખર્ચે નવા ચળકાટ મારતા રોડ બન્યા બાદ તરત જ અન્ય સરકારી કે ખાનગી વિભાગો દ્વારા ખોદકામ કરી દેવામાં આવતું હતું જેના કારણે પ્રજાના ટેક્સના નાણાંનો ધુમાડો થતો હતો અને સ્થાનિકોને પણ ભારે હાલાકી ભોગવવી પડતી હતી. 

આ પણ વાંચોઃ Jamnagar: ગરબા ગ્રાઉન્ડથી લઈને અવાવરૂ સ્થળો સુધી નાઇટ વિઝન ડ્રોનથી બાજ નજર, રોમિયોગીરી અને ગેરપ્રવૃત્તિઓ ડામવા પોલીસ સજ્જ