android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: વર્ષે ફોગિંગ પાછળ 100 કરોડનો ધૂમાડો કરો છો તોય મચ્છર કેમ થાય છે? AMC કમિશનર

calendar_todaySeptember 4, 2026

Ahmedabad News: વર્ષે ફોગિંગ પાછળ 100 કરોડનો ધૂમાડો કરો છો તોય મચ્છર કેમ થાય છે? AMC કમિશનર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુરુવારે મળેલી વીકલી રિવ્યૂ બેઠકમાં શહેરમાં સતત વધી રહેલા મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસોને લઈને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આરોગ્ય અને ઈજનેરી વિભાગની આકરી ઝાટકણી કાઢી હતી.કમિશનરે ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ભાવિન સોલંકી સમક્ષ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે,તમે ફોગિંગ પાછળ દર વર્ષે 100 કરોડનો ધુમાડો કરો છો છતાં લાર્વા નાશ કરવા કેમિકલ કેમ છાંટતા નથી?જો આ રીતે કામ થશે તો મેલેરિયા મુક્ત અમદાવાદ અભિયાન કેમ સફળ થશે? 

કમિશનરે ત્વરિત કામગીરી કરવા તાકીદ કરી

ચોમાસું પૂરું થવાના આરે છે અને તમામ સાત ઝોનમાં ફોગિંગ માટે રૂ.12.45 કરોડના ટેન્ડર મંજૂર કરી વર્કઓર્ડર અપાયા હતા.ડેન્ગ્યુ હજુ બે સપ્તાહ પીક પર રહેશે તેવી રજૂઆત સામે કમિશનરે ત્વરિત કામગીરી કરવા તાકીદ કરી હતી. શહેરની 400 પૈકી માત્ર 82 હોસ્પિટલો જ દૈનિક વિગતો આપતી હોવાથી બાકીની હોસ્પિટલોને તાત્કાલિક નોટિસ ફટકારવા આદેશ કર્યો હતો.આ ઉપરાંત 48 વોર્ડના ટ્રાફિક જંકશનો પરના ખાડા અંગે માહિતી ન આપી શકતાં કમિશનર સિટી ઈજનેર ઋષિ પંડ્યા પર અકળાયા હતા. 

નબળી કામગીરી કરતી એજન્સીઓનાં પેમેન્ટ અટકાવી દો

કોર્પોરેશન સંચાલિત પાંચ બગીચા,ત્રણ સ્ટોર મળી 10 મિલકતોમાંથી મચ્છરોના બ્રીડિંગ મળતાં કમિશનરે ડેપ્યુટી કમિશનર મમતા હીરપરાની કામગીરી સામે અસંતોષ દર્શાવ્યો હતો.બીજી તરફ ફોગિંગ કરતી એજન્સીના રૂ.22 લાખના બિલમાંથી માત્ર રૂ.2 લાખ પેનલ્ટી કાપ્યાનું જણાવાતાં કમિશનરે રોષપૂર્વક કહ્યું કે, કામ કર્યા વગર 20 લાખ મળતા હોય તો ખોટું શું?નબળી કામગીરી કરતી એજન્સીઓનાં પેમેન્ટ અટકાવી દો. 

મચ્છર અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું

અમદાવાદ શહેરમાં ચોમાસુ હવે નહિવત છે એવામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરની સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસોનો ભરાવો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વાયરલ ફીવર અને ટાઈફોઈડ સહિતના દર્દીઓની પણ સંખ્યા સતત વધી રહી છે. આ ઉપરાંત સ્વાઈન ફ્લૂના દર્દીઓ પણ સામે આવી રહ્યાં છે. મહાનગર પાલિકા દ્વારા શહેરમાં દવા છંટકાવ અને ફોગિંગ સહિતની કામગીરી કરે છે પણ તેમાંય જાણે લાલિયાવાડી ચાલી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. 


આ પણ વાંચોઃ Ahmedabad : માણેકચોકમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ, ધાબા પર 3 ગેસ સિલિન્ડર મળતાં મોટો સવાલ