android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: બેવડી ઋતુનો માર, સોલા સિવિલમાં એક સપ્તાહમાં 12,000 દર્દીઓ નોંધાયા

calendar_todayJanuary 21, 2026

Ahmedabad News: બેવડી ઋતુનો માર, સોલા સિવિલમાં એક સપ્તાહમાં 12,000 દર્દીઓ નોંધાયા

રાજ્યમાં બદલાતા વાતાવરણ અને બેવડી ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગોના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે, જ્યાં OPDનો આંકડો 12,000 ને પાર કરી ગયો છે.

વાયરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગોમાં વધારો

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ, છેલ્લા સાત દિવસમાં વાયરલ ઇન્ફેક્શનના 80 થી વધુ દર્દીઓએ સારવાર લીધી છે. આ સાથે જ મચ્છરજન્ય રોગોના શંકાસ્પદ કેસો પણ ચિંતાજનક રીતે વધ્યા છે. હોસ્પિટલમાં ડેન્ગ્યુના 54, ચિકનગુનિયાના 28 અને સ્વાઈન ફ્લૂના 11 શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલમાં હોસ્પિટલમાં કુલ 992 દર્દીઓ દાખલ છે, જે દર્શાવે છે કે રોગચાળાની ગંભીરતા વધી રહી છે.

બાળકો અને શ્વાસના દર્દીઓની સંખ્યા વધી

હવામાં વધતા પ્રદૂષણના કારણે શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. પીડિયાટ્રિક વોર્ડમાં પણ સ્થિતિ ગંભીર છે, જ્યાં રોજની OPD 50 કેસને પાર પહોંચી ગઈ છે. નાના બાળકોમાં ખાસ કરીને માથું દુખવું, ચક્કર આવવા અને પેટમાં દુખાવા જેવા લક્ષણો વધુ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, ટાઈફોઈડના 2 પોઝિટિવ કેસ અને ઝાડા-ઉલટીના 54 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે.

કેવી રીતે રાખશો સાવચેતી?

તબીબોના મતે વાતાવરણમાં આવતા ફેરફાર વચ્ચે સાવચેતી રાખવી અનિવાર્ય છે. લોકોએ પાણી ઉકાળીને પીવું જોઈએ અને મચ્છરોથી બચવા માટે જાળી અથવા ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. જો વાયરલ ફીવર જેવા કોઈ પણ લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.


આ પણ વાંચો - AMCના અધિકારીઓએ બુધ્ધિનું દેવાળું ફૂંક્યું, પાર્કિંગ અને ફૂટપાથના મોહમાં મુખ્ય રસ્તો જ ગાયબ!