calendar_todayJuly 24, 2026
Ahmedabad News: ધોળકામાં 14 ઇંચ વરસાદ ખાબકતાં અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ, કાંઠાના ગામોને એલર્ટ કરાયા
ધોળકામાં મેઘરાજાએ ભયાનક તાંડવ મચાવતા 14 ઇંચથી પણ વધુ અતિભારે વરસાદ નોંધાયો છે.આ ધોધમાર વરસાદના કારણે કલિકુંડ સહિત શહેરની અનેક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી પલળીને સંપૂર્ણપણે નુકસાન પામી છે. જ્યારે મુખ્ય રોડ-રસ્તાઓ જળમગ્ન થઈ જતાં સમગ્ર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.
વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પાણીમાં ફસાયેલા સ્થાનિક લોકોનું ટ્રેક્ટર મારફતે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.ભારે વરસાદ અને ઉપરવાસની આવકને પગલે સાબરમતી નદીના કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને સ્થાનિકોને ઝડપી સહાય પૂરી પાડવા માટે ધોળકામાં ખાસ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે.ધોળકામાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને કારણે મુખ્ય રોડ-રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે, જ્યારે પાણીના ચિંતાજનક પ્રવાહમાં કેટલાંક વાહનો પણ તણાતા જોવા મળ્યા છે.
લોકોએ ખેડૂતોના ટ્રેક્ટરોની મદદ લીધી
આવી આફતજનક સ્થિતિમાં સલામત જગ્યાએ પહોંચવા માટે લોકોએ ખેડૂતોના ટ્રેક્ટરોની મદદ લીધી હતી. જેની મદદથી સ્થાનિકોને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવ્યા છે.પરિસ્થિતિને પહોંચી વળવા ધોળકા નગરપાલિકા ફાયરની ટીમ સતત લોકોની મદદે તૈનાત છે અને સ્થિતિ પર નજર રાખવા ખાસ કંટ્રોલ રૂમ પણ ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત સાબરમતી નદીના કાંઠે આવેલા સરોડા, અંધારી, ગાણેસર, આંબલિયારા, વિરપુર, વટામણ, સાથળ, ગીરાંદ, રામપુરા, સહિજ, વિરડી, આનંદપુરા, ઈગોલી, ચંડીસર, પીસાવડા, કોદાલીયાપુરા, વૌઠા અને ગાણોલ જેવા ગામડાઓને એલર્ટ કરી દેવાયા છે, જ્યારે ધોળકામાં હાલ પણ ધીમી ધારે ઝરમર વરસાદ યથાવત રહ્યો છે.
આ પણ વાંચોઃ Monsoon 2026 : અમદાવાદમાં પૂરના પાણી ન ઓસરતાં મુખ્યમંત્રી લાલઘૂમ, અધિકારીઓનો ઉધડો લીધો, ‘શા માટે પાણી ભરાયા તેનો ખુલાસો કરો’