calendar_todayJanuary 9, 2026
Ahmedabad News : અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે 2 કરોડની ફી વાલીઓને કરવી પડશે પરત, FRCએ નક્કી કરેલી ફી કરતા લેતા હતા વધુ ફી
શહેરના નારણપુરામાં આવેલી સેંટ ઝેવિયર્સ સ્કૂલની FRCએ નક્કી કરેલી ફીનો ઓર્ડર રિવિઝન કમિટી દ્વારા યોગ્ય ઠેરવવામાં આવ્યો છે. રિવિઝન કમિટીના નિર્ણય બાદ હવે સેંટ ઝેવિયર્સ સ્કૂલે વર્ષ-૨૦૨૪-૨૫ના ધોરણ.૧ થી ૮નાં અંદાજે ૧,૫૯૦ જેટલા વિદ્યાર્થીઓને રૂ.૨.૦૮ કરોડ જેટલી ફી પરત કરવી પડશે. રિવિઝન કમિટીના હુકમના આધારે અમદાવાદ ઝોનની FRCએ ૧૫ દિવસમાં વિદ્યાર્થીઓને વધારાની ફી પરત ચૂકવવાનો આદેશ કર્યો છે.
ફી કમિટી દ્વારા સ્કૂલની પ્રોવિઝનલ ફીમાં કાપ મૂક્યો હતો
સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ દ્વારા ધોરણ-૧થી ૮ની ફી માટે અમદાવાદ એવવી કમિટી સમક્ષ દરખાસ્ત કરી હતી, જેમાં સ્કૂલ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે કમિટી સમક્ષ રૂ. ૩૯,૩૬૦ની ફી માટે દરખાસ્ત કરી હતી. દરખાસ્તના અનુસંધાને અમદાવાદ ઝોનની ફી કમિટી દ્વારા સ્કૂલના તમામ ખર્ચ સહિતની વિગતોની ચકાસણી કરી હતી. જેમાં સ્કૂલના ખર્ચની સરખામણીમાં ફી વધુ હોવાનું જણાતા ફી કમિટી દ્વારા સ્કૂલની પ્રોવિઝનલ ફીમાં કાપ મૂક્યો હતો.
સ્કૂલ દ્વારા દરખાસ્ત મુજબની જ ફી વસૂલવાનું શરૂ કરી દીધું હતું
કમિટીએ સ્કૂલની પ્રોવિઝનલ ફી રૂ. ૨૨,૫૦૦ નક્કી કરી હતી અને ત્યારબાદના તબક્કાવાર વર્ષ પ્રમાણેની ફી રૂ. ૨૩,૫૦૦ અને રૂ. ૨૫,૦૦૦ નક્કી કરાઈ હતી. એ પછી ફાઇનલ ઓર્ડરમાં કમિટીએ વર્ષ-૨૦૨૪-૨૫ માટે ફાઇનલ ફી રૂ.૨૬,૨૫૦, શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ.૨૭,૫૦૦ અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૨૯,૨૫૦ નક્કી કરી હતી. સ્કૂલ દ્વારા દરખાસ્ત મુજબની જ ફી વસૂલવાનું શરૂ કરી દીધું હતું.