calendar_todayJanuary 1, 2026
Ahmedabad News: વર્ષ 2025માં 1107 શખ્સોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા, 258 સામે તડિપાર કરવાની કાર્યવાહી
અમદાવાદમાં લોકોને રંજાડતા અને અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો સામે પોલીસ સક્રિય થઈ ગઈ છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સામે સખત અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2025માં આવા તત્વો સામે પાસા તેમજ હદપારી જેવા અટકાયતી પગલાઓનો અસરકારક અમલ કરવામાં આવ્યો છે.
1107 ઈસમોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકના સીધા માર્ગદર્શનમાં પીસીબી દ્વારા વર્ષ 2025માં અસામાજીક તત્વો વિરુદ્ધમાં પાસા તેમજ હદપારી જેવા અટકાયતી પગલાઓનો અસરકારક અમલ કરાવી, શહેરભરમાંથી શરીર સબંધી, મિલ્કત સબંધી, પ્રોહીબીશનની પ્રવૃતિ તથા અન્ય ગુનાહીત પ્રવૃતિ કરવા વાળા કૂલ 1107 ઈસમોને પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલવામાં આવ્યા છે. આ ઉપરાંત 258 ઈસમો સામે તડિપાર અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રોહિબિશનના કૂલ 400 કેસો કરીને 407 આરોપીઓની ધરપકડ
આ ઉપરાંત પોલીસ કમિશનર જી.એસ. મલિકના સીધા માર્ગદર્શન હેઠળ પીસીબી દ્વારા પ્રોહિબિશન અને જુગાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પ્રોહિબિશનના કૂલ 400 કેસો કરીને 407 આરોપીઓની ધરપકડ કરવામા આવી છે. તેમજ કૂલ 5,74,17,052 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જુગાર ધારા હેઠળ કૂલ 70 કેસ કરીને 245 જુગારીઓને પકડી લઈને કૂલ 83,63,450નો મુદ્દામાલ કબજે કરાયો છે. પ્રોહિબિશન અને જુગારના કેસોમાં કુલ્લે રૂપિયા 6,57,80,502નો મુદ્દામાલ ઝડપી લેવાયો છે.