android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: નેપાળમાં 21 ભારતીયોને બચાવી લેવાયા, 12 ગુજરાતી પ્રવાસીઓનો સંપર્ક ના થઈ શક્યો

calendar_todayAugust 27, 2026

Ahmedabad News: નેપાળમાં 21 ભારતીયોને બચાવી લેવાયા, 12 ગુજરાતી પ્રવાસીઓનો સંપર્ક ના થઈ શક્યો

નેપાળના વિનાશક પૂરમાં ગુમ થયેલા 178 ભારતીયો પૈકી 21 લોકોને બચાવી લેવાયા છે. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે યાદી જાહેર કરી છે. બચાવવામાં આવેલા તમામ લોકો તામિલનાડુના હોવાનું સામે આવ્યું છે. આ તમામ પ્રવાસીઓ માનસરોવરની યાત્રાએ ગયા હતાં. બીજી તરફ ગુજરાતમાંથી નેપાળમાં કેટલા પ્રવાસીઓ ફસાયા છે તેની વિગતો મેળવવામાં આવી રહી છે. રાજ્યમાં જિલ્લા પ્રમાણે હેલ્પલાઈન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આરટીઓ તંત્ર અને જિલ્લા કલેક્ટરોને વિગતો મેળવવા આદેશ કર્યો છે.  

21 ભારતીય લોકોને બચાવી લેવામાં આવ્યા

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં 178 ભારતીયો ગુમ થયા હોવાની સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદી પૈકીના 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેઓ તામિલનાડુના હોવાની વિદેશ મંત્રાલય દ્વારા પુષ્ટી કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાંથી પણ કેટલા પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે તેની વિગતો મેળવવા કલેક્ટર અને આરટીઓને આદેશ આપવામાં આવ્યા છે.  રાજ્યમાંથી હાલમાં 12 પ્રવાસીઓ નેપાળમાં સંપર્ક વિહોણા થયા હોવાની વિગતો સામે આવી છે. 


પ્રવાસીઓ લાપતા

રાજકોટના 15 વાહનોનો હાલ કોઈ સંપર્ક નહીં

રાજકોટથી નેપાળ જવા નીકળેલા 15 જેટલા વાહનોનો હાલ કોઈ સંપર્ક થઈ રહ્યો નથી.આ વાહનોમાં કેટલા પ્રવાસીઓ સવાર હતા તેની ચોક્કસ સંખ્યા હજુ સામે આવી નથી.પ્રવાસીઓ બસ, કાર અને ટેક્સી મારફતે ગયા હતા.કેટલાક નેપાળ પહોંચ્યા હોવાનો જ્યારે કેટલાક ઉત્તરાખંડ તરફ હોવાનો અનુમાન છે.કલેક્ટર તંત્ર અને RTO દ્વારા સંપર્ક કરવા પ્રયાસો હાથ ધરાયા છે.નેપાળમાં હજી 12 લોકોનો સંપર્ક થઈ રહ્યો નથી. જેમાં અમદાવાદ, આણંદ, વલસાડ, રાજકોટ, સુરત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.  

આણંદનો અમેરિકન પરિવાર નેપાળમાં ગુમ

આણંદના મુળ અમેરિકન સિટિઝન બિમલ પટેલ અને તેમની પત્ની જૈનિના પટેલ ગુમ થયા હોવાની વિગતો સામે આવી છે. તેઓ એક મહિના અગાઉ પરિવારને સરપ્રાઈઝ આપવા માટે ભારત આવ્યા હતાં. 16 ઓગસ્ટે એજન્ટ મારફતે નેપાળ અને કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતાં. છેલ્લે ગત રવિવારે તેમની પરિવારજનો સાથે વાત થઈ હતી. આ પતિ પત્ની ગુમ થયા હોવાની એજન્ટે પરિવારજનોને જાણ કરી હતી. આ દંપતી તેમના 12 વર્ષના દીકરાને આણંદ મુકીને નેપાળ ફરવા ગયા હતાં. દીકરાને ફરવું પસંદ નહીં હોવાથી તેને ભાઈને સોંપીને ગયા હતાં. બીજી તરફ વડોદરાના કિન્નરી પટેલ અને મીહિર પટેલ પણ નેપાળમાં ગુમ થયા છે. તેમના ભાઈ ચિરાગ પટેલે સરકાર પાસે મદદ માગી છે. આ દંપતી ન્યૂઝીલેન્ડમાં રહે છે. તેઓ મુંબઈની ટ્રાવેલ્સ એજન્સી મારફતે નેપાળ ગયા હતાં.  

ગુમ થયેલા કિન્નરી પટેલના ભાઈ ચિરાગ પટેલે શું કહ્યું

ગુમ થયેલા કિન્નરી પટેલના ભાઈ ચિરાગ પટેલે કહ્યું હતું કે, અમારા બહેન 23મીએ સિંગાપુરથી કાઠમંડુ પહોંચ્યા હતાં. તેઓ 3 દિવસ કાઠમંડુમાં રહ્યા હતાં. 26 તારીખથી તેઓ સંપર્ક વિહોણા છે. તેઓ શિવભક્ત હતાં અને કૈલાસ માનસરોવર જવાના હતાં. ભગવાન ભોળાનાથ અને સરકાર પાસે અમે મદદ માગીએ છીએ. અમારો પરિવાર પરત આવે તેવી આશા છે. નેપાળ સરકારે પણ અમને સાંત્વના આપી છે. 

આ પણ વાંચોઃ Vadodara News : નેપાળમાં મુશ્કેલીમાં જે ગાઈડે અમારી મદદ કરી તે જ દુર્ઘટનાનો ભોગ બન્યા, ઘરે આવ્યા પછી અમને ઊંઘ નથી આવતી