android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: મેઘાણીનગરની યુવતીના આપઘાત કેસમાં 4 વર્ષથી ત્રાસ આપનાર યુવક સામે ગુનો દાખલ!

calendar_todayOctober 25, 2026

Ahmedabad News: મેઘાણીનગરની યુવતીના આપઘાત કેસમાં 4 વર્ષથી ત્રાસ આપનાર યુવક સામે ગુનો દાખલ!

અમદાવાદના મેઘાણીનગરમાં રહેતી 23 વર્ષીય યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેવાની અત્યંત દુખદ ઘટના સામે આવી છે. ગત 17 ઓક્ટોબરે રિવરફ્રન્ટના ઘાટ નંબર-1 પાસેથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે મૃતક યુવતી પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં એક યુવક દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે સુસાઇડ નોટ અને મોબાઇલના પુરાવાઓ આધારે યુવક સામે આપઘાતની દુષ્પ્રેરણા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.

સુસાઇડ નોટમાં થયો ખુલાસો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી યુવક છેલ્લા ચાર વર્ષથી યુવતીનો પીછો કરતો હતો અને તેને સતત માનસિક ત્રાસ આપતો હતો. યુવતીએ પોતાના અંતિમ પત્ર (સુસાઇડ નોટ)માં ઉલ્લેખ કર્યો છે કે યુવક તેને અવારનવાર માનસિક રીતે હેરાન પરેશાન કરતો અને ‘તું મરવા પડી છે, જાતે મરી જા’ જેવા અપશબ્દો કહીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરતો હતો. અગાઉ પણ આ યુવકે યુવતી સાથે તકરાર કરી તેને જાહેરમાં લાફો માર્યો હોવાનો આક્ષેપ છે. આ મામલે બે વર્ષ અગાઉ પોલીસ મથક સુધી મામલો પહોંચ્યો હતો, જ્યાં યુવકના માતા-પિતાએ ભવિષ્યમાં હેરાન નહીં કરવાની ખાતરી આપી હતી, પરંતુ તેમ છતાં યુવકની હરકતો ચાલુ રહી હતી.

પોલીસે હાથ ધરી ઊંડાણપૂર્વક તપાસ

ઘટનાના દિવસે આપઘાત કરતા પહેલા યુવક સીધો યુવતીના ઘરે ગયો હતો અને તેના પિતાને પણ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે યુવતીની સુસાઇડ નોટ તેમજ તેના મોબાઇલ ફોનના ડેટા અને કોલ ડિટેલ્સના આધારે ટેક્નિકલ અને ફોરેન્સિક તપાસ તેજ કરી છે. યુવતીના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે ત્યારે પોલીસ આ પ્રકરણમાં સંડોવાયેલા યુવકની કડક પૂછપરછ કરી રહી છે અને ન્યાયિક કાર્યવાહી તરફ આગળ વધી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો