calendar_todayJune 2, 2026
Ahmedabad News: પાલડી ચાર રસ્તા પાસે 55 વર્ષ જૂના ફ્લેટની ગેલેરી થઈ ધરાશાયી
અમદાવાદ શહેરના કોટ વિસ્તાર અને તેની આસપાસ જૂની ઇમારતો નબળી પડવાના કારણે સર્જાતી દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના વ્યસ્ત અને પોશ ગણાતા પાલડી ચાર રસ્તા નજીક આવેલા એક અતિ જૂના ફ્લેટની ગેલેરીનો મોટો ભાગ અચાનક તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
જુના ફ્લેટ હોવાના કારણે ગેલેરીનો ભાગ તૂટ્યો
પાલડી ચાર રસ્તા પાસે અંદાજે 55 વર્ષ જૂના 'વર્ધમાન ફ્લેટ' આવેલા છે. આ ફ્લેટ ઘણા સમયથી જર્જરિત અને અત્યંત બિસ્માર હાલતમાં હતા. આજે અચાનક આ બિલ્ડિંગના ઉપરના માળની ગેલેરીનો એક મોટો હિસ્સો કડાકાભડાકા સાથે નીચે તૂટી પડ્યો હતો. કાટમાળ નીચે પડવાના અવાજથી આસપાસના રહીશો અને માર્ગ પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા.
નીચે કોઈ હાજર ન હોવાથી સદનસીબે બચાવ થયો
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગેલેરીનો મસમોટો સ્લેબ સીધો નીચે આવીને પટકાયો હતો. સદનસીબે જે સમયે આ ગેલેરી તૂટી પડી, તે સમયે તેની બરાબર નીચે કે આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હતી, જેના કારણે એક બહુ મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને સોસાયટીના સભ્યો એકઠા થઈ ગયા હતા અને કાટમાળ હટાવવાની તેમજ સુરક્ષાના પગલાં લેવાની કામગીરી શરૂ કરી હતી. સ્થાનીકોએ આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ જાણ કરી છે જેથી બાકીનો જર્જરિત ભાગ ઉતારી શકાય.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો