calendar_todaySeptember 1, 2026
Ahmedabad News : મુંબઈ એરપોર્ટ પર 72.22 લાખની વિદેશી કરન્સી સાથે બે મુસાફરો ઝડપાયા
દેશના વ્યસ્ત અને મહત્વપૂર્ણ એવા મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્કતા દાખવીને વિદેશી કરન્સીની દાણચોરીનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સના જવાનોએ એરપોર્ટ પર સઘન ચેકીંગ દરમિયાન બે અલગ-અલગ બનાવોમાં વિદેશી ચલણનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઝડપાયેલી વિદેશી કરન્સીની કુલ બજાર કિંમત અંદાજે રૂપિયા 72.22 લાખ જેટલી થવા જાય છે.
ઘૂંટણ પાસે ટેપ મારીને ડોલર છુપાવ્યા હતા
પ્રથમ ઘટનામાં મુંબઈ એરપોર્ટ પરથી દુબઈ જવા માટે રવાના થયેલી એક મહિલા મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા CISFની ટીમે તેની સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન જે હકીકત સામે આવી તેને જોઈ સુરક્ષાકર્મીઓ પણ ચોંકી ગયા હતા. આ મુસાફર પાસેથી કુલ 45 હજાર અમેરિકી ડોલર મળી આવ્યા હતા જેની ભારતીય ચલણ મુજબ કિંમત આશરે 42.82 લાખ રૂપિયા થાય છે. તેમાંથી 30 હજાર ડોલર તેણે પોતાના ઘૂંટણની આસપાસ એડહેસિવ ટેપની મદદથી છુપાવ્યા હતા. જ્યારે બાકીના 15 હજાર ડોલર તેની હેન્ડ બેગમાંથી મળી આવ્યા હતા. વિદેશી ચલણને ગેરકાયદેસર રીતે વિદેશ લઈ જવાનો આ અદભુત કીમિયો સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો હતો.
30 હજાર યુએસ ડોલર અને યુએઈ દિરહામ જપ્ત
અન્ય એક ચેકિંગ દરમિયાન, CISF ના જવાનોએ બીજા એક મુસાફરને ઝડપી પાડ્યો હતો. આ મુસાફર પાસેથી પણ મોટી માત્રામાં વિદેશી કરન્સી મળી આવી હતી. તપાસમાં તેની પાસેથી 30 હજાર અમેરિકી ડોલર ઉપરાંત 3800 UAE દિરહામ મળી આવ્યા હતા. આ પકડાયેલ કુલ વિદેશી ચલણની ભારતીય રૂપિયામાં કિંમત અંદાજે 29.40 લાખ રૂપિયા આંકવામાં આવી છે.આ બંને કેસોમાં કુલ મળીને 72.22 લાખ રૂપિયાની વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી છે જેનો ઉપયોગ ગેરકાયદેસર હૂંડિયામણની હેરાફેરી માટે થતો હોવાનું મનાય છે.
કસ્ટમ્સ વિભાગ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી
મુંબઈ એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન ઝડપાયેલા બંને મુસાફરોને CISF દ્વારા નિયમનુસાર તાત્કાલિક AIU કસ્ટમ્સ વિભાગને સોંપવામાં આવ્યા છે. કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે આ વિદેશી કરન્સી ક્યાંથી લવાઈ હતી અને કોને પહોંચાડવાની હતી. આ રેકેટની પાછળ અન્ય કોઈ મોટી ગેંગ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં મચ્છરજન્ય રોગો અટકાવવા ઘર અને દુકાનોમાં ચેકીંગ, લાખોનો દંડ વસૂલાયો