calendar_todayMay 6, 2026
Ahmedabad News: ઉનાળા સાથે રોગચાળો ફાટી નીકળ્યો: એપ્રિલમાં પાણીજન્ય રોગોના 800 કેસ, પાણીપુરીના એકમો પર તંત્રની તપાસ
અમદાવાદ શહેરમાં ગરમીનો પારો વધવાની સાથે જ પાણીજન્ય રોગચાળામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે એપ્રિલ માસ દરમિયાન શહેરમાં ઝાડા-ઉલટી, કમળો અને ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગોના અંદાજે 800 જેટલા કેસો નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
રોગચાળાના આંકડા
AMCના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન સોલંકીએ આપેલી માહિતી મુજબ, એપ્રિલ મહિનામાં જ ઝાડા-ઉલટીના 642 કેસ, ટાઈફોઇડના 155 કેસ અને કમળોના 55 કેસ નોંધાયા છે.
તંત્ર દ્વારા કડક કાર્યવાહી
અમદાવાદ શહેરમાં પાણીની ગુણવત્તા તપાસવા માટે આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પાણીની ગુણવત્તા ચકાસવા માટે 52,000 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન 13 જેટલી જગ્યાઓ પર પાણીમાં ક્લોરીનનું પ્રમાણ 'નીલ' (શૂન્ય) જોવા મળ્યું હતું, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.
બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા અપીલ
વધુમાં, રોગચાળાને ડામવા માટે AMCની ટીમો દ્વારા અમદાવાદ શહેરના વિવિધ પાણીપુરીના એકમો પર રેડ કરીને ત્યાં વપરાતા પાણીના સેમ્પલ લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ઉનાળામાં દૂષિત પાણી અને ખોરાકને કારણે આ કેસો વધી રહ્યા હોવાથી નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Ahmedabad : ખાનપુરમાં SMC ના પોલીસકર્મીની દાદાગીરી, સમાજની વાડીમાં રૂમ બાબતે કર્મચારીને ઢોર માર માર્યો