calendar_todayMay 1, 2026
Ahmedabad News: AMCએ 4 મહિનામાં 6800થી વધુ લારી-ગલ્લા અને 25,000 હોર્ડિંગ્સ દૂર કરાયા, 2.57 કરોડનો દંડ વસૂલાયો
અમદાવાદ શહેરને દબાણમુક્ત અને વ્યવસ્થિત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગત 1 જાન્યુઆરી 2026થી 25 એપ્રિલ 2026 દરમિયાન સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ચાર મહિનાના ગાળામાં શહેરના વિવિધ ઝોનમાં ફૂટપાથ અને જાહેર માર્ગો પરથી ગેરકાયદેસર કબજા દૂર કરી નોંધપાત્ર સફળતા મેળવી છે.
ઝોન વાઈઝ કામગીરીના મુખ્ય અંશો
લારી-ગલ્લાનો સફાયો: સમગ્ર શહેરમાંથી કુલ 6,887 લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા છે. જેમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 1,532 લારીઓ હટાવવામાં આવી છે.
ગેરકાયદેસર હોર્ડિંગ્સ: શહેરની સુંદરતા બગાડતા કુલ 25,089 ગેરકાયદેસર બોર્ડ, બેનરો અને હોર્ડિંગ્સ જપ્ત કરાયા છે. પશ્ચિમ ઝોન 7,911 હોર્ડિંગ્સ સાથે આ યાદીમાં મોખરે છે.
પાર્કિંગ સામે કાર્યવાહી: ટ્રાફિકની સમસ્યા હળવી કરવા 10,598 વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. પૂર્વ ઝોનમાં સૌથી વધુ 2,867 વાહનો દંડાયા છે.
પરચૂરણ સામાન: વિવિધ વિસ્તારોમાંથી ફૂટપાથ રોકીને રાખવામાં આવેલ 49,857 અન્ય પરચૂરણ ચીજવસ્તુઓ દૂર કરવામાં આવી છે.
કરોડોની પેનલ્ટી વસૂલાત
AMC એ આ સમગ્ર અભિયાન દરમિયાન કુલ રૂ. 2,57,26,570 (બે કરોડ સત્તાવન લાખથી વધુ) ની દંડની રકમ વસૂલ કરી છે. વસૂલાતની દ્રષ્ટિએ ઉત્તર પશ્ચિમ ઝોન સૌથી વધુ રૂ. 82.28 લાખ સાથે ટોચ પર રહ્યો છે, જ્યારે પશ્ચિમ ઝોન રૂ. 38.22 લાખ સાથે બીજા ક્રમે રહ્યો છે.
AMC ના અધિકારીઓના જણાવ્યા મુજબ, અમદાવાદ શહેરના શિસ્તબદ્ધ વિકાસ માટે અને નાગરિકોને સરળ પરિવહન મળી રહે તે હેતુથી આ કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે હવે વધુ કડક પગલાં લેવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે.