calendar_todayJanuary 23, 2026
Ahmedabad News : પોલીસ છાવણીમાં ફેરવાઈ શાળાઓ, BDDS દ્વારા 10 શાળાઓમાં સઘન સર્ચ ઓપરેશન, વાલીઓમાં ફફડાટ
અમદાવાદમાં આજે વહેલી સવારે શિક્ષણ જગત અને પોલીસ તંત્રમાં ત્યારે દોડધામ મચી ગઈ જ્યારે શહેરની 10થી વધુ પ્રતિષ્ઠિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો. આ ધમકીમાં સેટેલાઈટની રેડ બ્રિક્સ, DPS બોપલ, સેન્ટ ઝેવિયર્સ લોયેલા, વિદ્યાનગર સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય અને નરોડાની JD હાઇસ્કૂલ જેવી શાળાઓનો સમાવેશ થાય છે. મેઈલમાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે 26મી જાન્યુઆરીએ તિરંગો ન ફરકાવવા માટે ચેતવણી આપવામાં આવી છે અને તેમાં ખાલિસ્તાન તેમજ બાંગ્લાદેશના સંદર્ભોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકી મળતા જ ગભરાયેલા વાલીઓને મેસેજ અને મેઈલ દ્વારા જાણ કરી તાત્કાલિક અસરથી શાળાઓ ખાલી કરાવી રજા જાહેર કરી દેવામાં આવી હતી.
શિક્ષણ જગતમાં ગભરાટ
ઘટનાની ગંભીરતાને જોતા ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) દ્વારા તમામ શાળાઓમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધીના સર્ચ ઓપરેશનમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યા નથી, જે નાગરિકો માટે રાહતના સમાચાર છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) એ જણાવ્યું છે કે બપોરની પાળીની શાળાઓ ચાલુ રાખવા અંગેનો નિર્ણય જે-તે શાળાના આચાર્ય અને સંચાલકો પોતાની રીતે લઈ શકશે. હાલમાં સાયબર ક્રાઈમની ટીમ આ ધમકીભર્યો મેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે તેના લોકેશન ટ્રેસ કરી રહી છે અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બાંધછોડ ન કરવા આદેશો અપાયા છે.
આ પણ વાંચો : Gir Somnath માં SMC ની ગાજ, ઉનાના સનખડામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર ત્રાટકી SMC