android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓને વધુ હોમવર્ક નહીં આપવા DEOનો આદેશ

calendar_todayOctober 30, 2026

Ahmedabad News: દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓને વધુ હોમવર્ક નહીં આપવા DEOનો આદેશ

દિવાળીના તહેવારો અને વેકેશનના દિવસોમાં વિદ્યાર્થીઓ મુક્ત મને તહેવારની ઉજવણી કરી શકે અને માનસિક તણાવમાંથી રાહત મેળવી શકે તે હેતુથી અમદાવાદ શહેર શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.શહેરની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પરિપત્ર મોકલીને દિવાળી વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને વધુ પડતા હોમવર્કના બોજમાંથી મુક્તિ આપવા માટે તાકીદ કરવામાં આવી છે.

શાળા પ્રશાસનને સૂચના આપવામાં આવી

શિક્ષણાધિકારી કચેરી દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે,વેકેશન દરમિયાન શાળાઓએ વિદ્યાર્થીઓને કંટાળાજનક અને વારંવાર લેખન કરવું પડે તેવા હોમવર્ક કે ખૂબ જ લાંબા પ્રોજેક્ટ્સ આપવાનું ટાળવું જોઈએ.તેની જગ્યાએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ખીલે તે પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.શાળા પ્રશાસનને સૂચના આપવામાં આવી છે કે તેઓ હોમવર્કના નામે બાળકો પર માનસિક બોજ વધારવાને બદલે ચિત્રકામ, રમતગમત, વાંચન, વાર્તાલેખન તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી હળવી અને ઉત્સાહવર્ધક બાબતોને પ્રાધાન્ય આપે. આ પરિપત્રમાં વિશેષરૂપે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 

વેકેશનમાં ભણતરના તણાવ વગર રજાઓ માણશે

બોર્ડની આગામી પરીક્ષાઓ નજીક હોવાથી આ વિદ્યાર્થીઓની તૈયારીઓ ખોરવાય નહીં અને સાથે સાથે તેમના પર બિનજરૂરી દબાણ ન આવે તે રીતે સંતુલિત આયોજન કરવા શાળાઓ અને શિક્ષકોને માર્ગદર્શન અપાયું છે.શિક્ષણાધિકારીએ ભારપૂર્વક જણાવ્યું છે કે,વેકેશનનો મૂળ ઉદ્દેશ્ય બાળકોને શારીરિક અને માનસિક આરામ આપવાનો છે.સતત અભ્યાસના ભારણ હેઠળ જીવતા બાળકો પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે,તહેવારોનો આનંદ માણી શકે અને તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે જ પ્રાથમિકતા હોવી જોઈએ.અમદાવાદ DEOના આ નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે,કારણ કે આ નિર્ણયથી બાળકો વેકેશનમાં ભણતરના તણાવ વગર ઉત્સાહપૂર્વક રજાઓની મજા માણી શકશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: બિનમાન્યતા પ્રાપ્ત 6 રાજકીય પાર્ટીને 5 વર્ષમાં 3689 કરોડનાં ડોનેશન મળ્યા