calendar_todayMarch 14, 2026
Ahmedabad News : GSTએ વેપારીઓને નોટિસ આપ્યા વિના ખાતા ફ્રિઝ કર્યા, માર્ચ એન્ડિંગ હોવાથી GST વસૂલાત માટે એડિચોટીનું જોર
માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ જીએસટીમાં વેપારીઓને હેરાન કરવાની કોઈ પણ કસર છોડવામાં આવતી ન હોવાનો ગણગણાટ શરૂ થયો છે. કારણ કે વેપારીઓને નોટિસ આપ્યા વિના અથવા તો વેપારીને કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વિના તેઓના ખાતા ફ્રિઝ કરી દેવાનું શરૂ કરી દેવાયું છે.
વેપારીના ખાતા ફ્રિઝ કરતા પહેલા નોટિસ ન અપાઇ
તે માટેનું કારણ એવું છે કે, માર્ચ મહિનાના અંતમાં નાણાં વસૂલાત માટે એડીચોટીનું જોર લગાડવામાં આવતું હોવાના લીધે હાલ તો વેપારીઓના ખાતા ફિઝ થવાના કારણે તેઓની મુશ્કેલીમાં વધારો થયો છે. જીએસટીમાં વેપારીને નોટિસ આપવામાં આવે તો તેની વિગતો પોર્ટલ પર અપલોડ કરવાની સાથે રજિસ્ટર એડીથી તેના ઘરે અથવા તો ઓફિસના સરનામે મોકલવાની હોય છે. જ્યારે આવી કાર્યવાહી કરવાના બદલે જીએસટી વિભાગ દ્વારા ટેક્સ, વ્યાજ અને દંડની રકમ વસૂલાત કરવા માટે છેલ્લા થોડા દિવસોથી વેપારીઓના ખાતા ફિઝ કરવાની શરૂઆત કરવામાં આવી છે.
વેપારીને રુબરુ બોલાવીને પણ સુનાવણી ન કરાઇ
તેમાં પણ જે વેપાર પાસે અગાઉ વ્યાજ, દંડ અને ટેક્સની રકમ ભરવા માટે તાકીદ કરવામાં આવી હોય અને તે વેપારી દ્વારા અપીલમાં ગયા નહીં હોય તો તેવા વેપારીને જાણ કર્યા વિના સીધા ખાતા જ ફ્રિઝ કરી દેવાની કામગીરી કરવામાં આવી રહી છે. નિયમ પ્રમાણે વેપારીના ખાતા ફિઝ કરતા પહેલા તેને છેલ્લી નોટીસ આપીને જાણ કરવાની હોય છે. સાથે સાથે બેંક ખાતું ફ્રિઝ કરતા પહેલા વેપારીને રુબરુ બોલાવીને સુનાવણી પણ કરવાની હોય છે. પરંતુ જીએસટીમાં આવી કોઇ પણ કાર્યવાહી કર્યા વિના સીધા બેંક ખાતા જ ફિઝ કરાતા વેપારીઓની પરેશાની વધી છે.