android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : GujaratiMatrimonyના નામે રૂ.1.10 કરોડની છેતરપિંડી, કેનેડાની યુવતી બની અમદાવાદના વેપારીને ફસાવ્યો

calendar_todaySeptember 3, 2026

Ahmedabad News : GujaratiMatrimonyના નામે રૂ.1.10 કરોડની છેતરપિંડી, કેનેડાની યુવતી બની અમદાવાદના વેપારીને ફસાવ્યો

અમદાવાદમાં સાયબર ફ્રોડનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 'GujaratiMatrimony' એપ્લિકેશન દ્વારા એક મોટી છેતરપિંડી આચરવામાં આવી છે. ઠગ ટોળકીમાંથી એક શખ્સે સ્મિતા શેઠ્ઠી નામે ફેક આઈડી બનાવી ફરિયાદી સાથે સંપર્ક કર્યો હતો. પોતે કેનેડામાં રહેતી હોવાનું અને 'Nova Medical' નામની કંપનીમાં નોકરી કરતી હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ યુવતીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને મેડિસિનના રો-મટિરિયલના વેપારમાં મોટો નફો અપાવવાની લાલચ આપી હતી. તેણે ઓછા ભાવે માલ ખરીદીને પોતાની કંપનીને ઊંચા ભાવે વેચીને મોટો ફાયદો કમાવવાની સ્કીમ સમજાવી હતી.

બનાવટી સેમ્પલ અને ફેક પરચેઝ ઓર્ડર આપી રૂ.1.10 કરોડ પડાવ્યા

કૌભાંડને આગળ વધારવા માટે ઠગ ટોળકીએ મહેરાબ નામના શખ્સને રો-મટિરિયલ સપ્લાયર તરીકે ઓળખાવ્યો હતો અને 'નડાલા બી રૂટ' નામની દવાના રો-મટિરિયલના બનાવટી સેમ્પલ મોકલ્યા હતા. આ પછી Nova Medicalના પરચેઝ મેનેજર તરીકે 'ફ્રેડ બ્રેન્ડોન' નામના શખ્સે સંપર્ક કર્યો હતો અને મુંબઈમાં મળીને સેમ્પલ તપાસી ઓર્ડર આપવાની નાટકબાજી કરી હતી. ઠગ ભગતોએ બનાવટી પરચેઝ ઓર્ડર મોકલીને ફરિયાદી પાસેથી જુદા-જુદા બેંક ખાતામાં ટુકડે-ટુકડે કુલ રૂ.1,10,22,000 મંગાવી લીધા હતા. નાણાં ટ્રાન્સફર થઈ ગયા બાદ તમામ આરોપીઓના ફોન બંધ થઈ જતાં ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

અમદાવાદ સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા

પોતાની સાથે રૂ.1.10 કરોડથી વધુ રકમની છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં જ ફરિયાદીએ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની અરજીના આધારે સાયબર ક્રાઈમે સ્મિતા શેઠ્ઠી, મહેરાબ અને ફ્રેડ બ્રેન્ડોન સહિતના ઠગો સામે વિધિવત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જે બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેની વિગતો, આઈપી એડ્રેસ અને ફોન નંબરના આધારે આંતરરાષ્ટ્રીય સ્તરના આ સાયબર કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો : Mehsana પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ, SP હિમાંશુ સોલંકીએ જાહેર હિતમાં 4 PIની આંતરિક બદલીના કર્યા ઓર્ડર