calendar_todaySeptember 10, 2026
Ahmedabad News: આરોપીએ iPhone અને Androidની બેટરીથી બ્લાસ્ટની ધમકી આપી, જાણો ઈમેલમાં શું લખ્યું?
ગુજરાતમાં ફરીવાર બોમ્બની ધમકીઓ મળવાનો સીલસીલો શરૂ થયો છે. આજે અમદાવાદની સ્કૂલો, ગાંધીનગર કોર્ટ અને વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. આ ધમકીને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. શાળાઓમાંથી બાળકોને રજા આપી દેવાઈ હતી. જ્યારે કોર્ટ અને વિધાનસભા પરિસરને ખાલી કરવામાં આવી હતી. પોલીસને તપાસમાં કંઈ જ નહીં મળતાં રાહતનો શ્વાસ લીધો હતો. આ ધમકી ભર્યો ઈમેલ કરનારા આરોપીએ ઈમેલમાં ચોંકાવનારી વિગતો લખી હતી.
આરોપીએ ઈમેલમાં શું ધમકીઓ આપી?
અમદાવાદની શાળાઓને ઈમેલ દ્વારા મળેલી બોમ્બની ધમકીના મામલામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.ધમકીભર્યા મેલમાં શાળાઓમાં બપોરે 1.11 વાગ્યે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી.આ ધમકી માત્ર અમદાવાદ પૂરતી સીમિત ન હતી પરંતુ મેલમાં બ્રિક્સ અને દિલ્હીના પ્રગતિ મેદાનમાં પણ વિસ્ફોટ કરવાની ધમકીઓ ઉચ્ચારવામાં આવી છે.આરોપીઓએ આતંક ફેલાવવા માટે આઈફોન (iPhone) અને એન્ડ્રોઈડ (Android) ફોનની બેટરીઓનો ઉપયોગ કરીને બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી.એટલું જ નહીં, મેલમાં ગુજરાત બોલશે અને ખાલિસ્તાન ઝિંદાબાદના સૂત્રોનો ઉલ્લેખ કરવાની સાથે એવી પણ ચીમકી આપવામાં આવી છે કે બ્રિક્સનો કોઈપણ દેશ ભારતની મદદ ન કરે અને જો કોઈ દેશ ભારતની મદદ કરશે તો તે સીધો તેમના નિશાન પર આવશે.
ગાંધીનગર કોર્ટ અને વિધાનસભામાંથી કંઈ ના મળ્યું
પોલીસ અને બોમ્બ સ્કવોડની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન વિધાનસભા તેમજ કોર્ટ પરિસરમાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે સામગ્રી મળી આવી નહોતી. તમામ સુરક્ષા પાસાંઓની પૂરતી ખાતરી થઈ ગયા બાદ અફવાઓ પર વિરામ મુકાયો હતો અને વિધાનસભાનું કાર્યવાહી સત્ર પોતાના નિર્ધારિત સમયે જ રાબેતા મુજબ શરૂ થઈ ગયું હતું.ગાંધીનગર પોલીસ દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ધમકીભર્યો ઈ-મેઈલ દેશની બહારથી મોકલવામાં આવ્યો હતો.આશરે 6 મહિના પહેલાં પણ આ જ પદ્ધતિથી ધમકી આપવામાં આવી હતી. સામાન્ય રીતે દેશ બહારથી જ આવા ફેક ધમકીભર્યા મેઈલ આવતા હોવાથી સાયબર ક્રાઈમ ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: નેપાળ પૂર દુર્ઘટનામાં ગુમ થયેલા ગુજરાતીઓની ઓળખ માટે DNA સેમ્પલિંગ પ્રક્રિયા પૂર્ણતાના આરે