android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: રાજસ્થાનથી લાવેલું MD ડ્રગ્સ શહેરમાં વેચે તે પહેલા જ પોલીસે પેડલરને ઓઢવથી ઝડપ્યો

calendar_todaySeptember 8, 2026

Ahmedabad News: રાજસ્થાનથી લાવેલું MD ડ્રગ્સ શહેરમાં વેચે તે પહેલા જ પોલીસે પેડલરને ઓઢવથી ઝડપ્યો

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાંથી એસઓજી ક્રાઈમ બ્રાન્ચે લાખો રૂપિયાની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે.એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ રાજસ્થાનથી ડ્રગ્સનો મોટો જથ્થો લઈને શહેરના ઓઢવ વિસ્તારમાં વેચાણ કરવા માટે આવી રહ્યો છે.આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ઓઢવ એસપી રિંગ બ્રિજના છેડે આવેલા માધવ એસ્ટેટના ગેટ પાસેથી એક યુવકને ઝડપી લીધો હતો.

5 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

પોલીસે પકડાયેલા યુવકની પૂછપરછ કરતા તેની ઓળખ સચિન ચમનજી ઠાકોર તરીકે થઈ હતી.પોલીસે આરોપીનું ચેકિંગ કરતાં તેના કબજામાંથી અંદાજે 160 ગ્રામ જેટલો શંકાસ્પદ મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.સુરક્ષા એજન્સી અને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા આ 160 ગ્રામ મેફેડ્રોનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂપિયા 4.80 લાખ આંકવામાં આવી છે.આ ઉપરાંત ડ્રગ્સના આ ગેરકાયદે વેપાર અને હેરાફેરીમાં વપરાયેલા અન્ય મુદ્દામાલ સહિત કુલ મળીને અંદાજે રૂપિયા 5 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં તેનું છૂટક કે જથ્થાબંધ વેચાણ કરવાનો પ્લાન હતો, પરંતુ તે પહેલા જ એસઓજીની ટીમે બાતમીના આધારે પર્દાફાશ કરી દીધો હતો.સમગ્ર મામલે એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રાજસ્થાનથી આ ડ્રગ્સ કોણે મોકલ્યું હતું અને અમદાવાદમાં આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તથા આ નેટવર્ક સાથે અન્ય કયા કયા શખ્સો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે વધુ સઘન તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Surat News: નાસિરનગર ડિમોલિશન કેસમાં મનપાને ઝટકો, એડવોકેટ જનરલ કેસમાંથી જ ખસી ગયા