calendar_todayMay 2, 2026
Ahmedabad News: લાલ દરવાજા પાસે MD ડ્રગ્સ વેચતા ઝડપાયેલા શાહિદ કુરેશીને કોર્ટે ફટકારી 8 વર્ષની કેદની સજા
અમદાવાદ શહેરમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે ન્યાય તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. અમદાવાદની સ્પેશિયલ NDPS કોર્ટ દ્વારા વર્ષ 2023ના એક ડ્રગ્સ કેસમાં મહત્વનો ચુકાદો આપતા આરોપી શાહિદ કુરેશીને 8 વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, ડ્રગ્સ સામે સખ્ત કાર્યવાહી એ જ નિયમ છે.
શું હતો સમગ્ર કેસ?
વર્ષ 2023માં અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે કારંજ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન શાહિદ કુરેશી નામનો શખ્સ 41 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કોર્ટનું કડક વલણ
આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે નોંધ્યું હતું કે, નશીલા પદાર્થોનું વેચાણ સમાજ માટે ખતરનાક છે. આરોપી પાસે રહેલો ડ્રગ્સનો જથ્થો અને તેની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે તેને 8 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ ચુકાદાથી ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો - Ahmedabad News: ઓરેન્જ એલર્ટ વચ્ચે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાની જાહેરાત માત્ર કાગળ પર, વાહનચાલકો શેકાયા