calendar_todayFebruary 7, 2026
Ahmedabad News : SGST વિભાગનો સપાટો, જામનગરના બે ઉચ્ચ અધિકારીઓને ચીફ કમિશનરે કર્યા સસ્પેન્ડ
જામનગર સ્ટેટ જીએસટી (SGST) વિભાગમાં ફરજ બજાવતા બે અધિકારીઓ સામે ફરજમાં ઘોર બેદરકારી બદલ સસ્પેન્શનની ગાજ પડી છે. સ્ટેટ ટેક્સના ચીફ કમિશનર દ્વારા લેવામાં આવેલા આ કડક નિર્ણયમાં આસિસ્ટન્ટ કમિશનર એસ.કે. પટેલ અને સ્ટેટ ટેક્સ ઓફિસર રાહુલ મોતાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જામનગરની કેટલીક વેપારી પેઢીઓને નોટિસ પાઠવ્યા બાદ તેની આગળની પ્રક્રિયામાં આ અધિકારીઓએ દાખવેલી શિથિલતા અને બેદરકારીને પગલે વિભાગ દ્વારા આ પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ચીફ કમિશનરની લાલ આંખ
વિભાગીય તપાસમાં સામે આવ્યું છે કે, આ અધિકારીઓએ જામનગરની પેઢીઓને નોટિસ આપ્યા બાદ નિયમ મુજબની કાર્યવાહી કરવામાં નિષ્ફળતા મેળવી હતી. આ ગંભીર લાપરવાહીને કારણે સરકારી તિજોરીને નુકસાન જવાની ભીતિ સેવાતા ઉચ્ચ સ્તરેથી તપાસના આદેશ અપાયા હતા. ચીફ કમિશનરના આ આકરા વલણને કારણે સમગ્ર રાજ્યના જીએસટી વિભાગના અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. હાલમાં આ બંને અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ તેજ કરવામાં આવી છે અને આ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
M/S DEE KAY INFRA કેસમાં આચરી હતી ક્ષતિ
જામનગરમાં પોસ્ટેડ આસિસ્ટન્ટ કમિશનર એસ. કે. પટેલ અને સ્ટેટ ટેક્સ ઓફિસર રાહુલ મોટાને ફરજમાં ગંભીર બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે; આ અધિકારીઓએ M/S DEE KAY INFRA નામની પેઢીનો GST નંબર રદ કરવાની કાર્યવાહી નિયમ વિરુદ્ધ ડ્રોપ કરી હતી અને બોગસ સપ્લાયની ચકાસણી કર્યા વિના જ ઓર્ડર પાસ કરી દેતા સરકારને અંદાજે રૂ. 3.66 કરોડનું આર્થિક નુકસાન પહોંચ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે નોટિસ ડ્રોપ કરવાની પ્રક્રિયા દરમિયાન અધિકૃત વ્યક્તિ ગેરહાજર હોવા છતાં આ ગંભીર અનિયમિતતા આચરવામાં આવી હતી.
આ પણ વાંચો : Ahmedabad News : ક્રિકેટ ફેન્સ સાવધાન! મેચના દિવસોમાં અમદાવાદના આ રસ્તાઓ પર અવરજવર પર પ્રતિબંધ