calendar_todayMarch 6, 2026
Ahmedabad News: UPSC 2025ની પરીક્ષામાં SPIPA સાથે જોડાયેલા 34 ઉમેદવારો પાસ થયા, જુઓ લીસ્ટ
UPSC દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસ પરીક્ષા 2025ના અંતિમ પરિણામમાં સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થા અમદાવાદ ખાતે તાલીમ લીધેલા કુલ 34 ઉમેદવારો અખિલ ભારતીય સેવા માટે પસંદગી પામ્યા છે. UPSC દ્વારા તા.23 મે 2025ના રોજ યોજાયેલી સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ તા.11 જૂન 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી કુલ 14161 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા.તેમાં SPIPA ખાતે તાલીમ લીધેલા 272 ઉમેદવારોનો સમાવેશ થાય છે.
સમગ્ર ભારતમાંથી 958 ઉમેદવારોની પસંદગી
ત્યારબાદ મુખ્ય પરીક્ષાનું પરિણામ 11 નવેમ્બર 2025ના રોજ જાહેર થયું હતું.જેમાં સમગ્ર ભારતમાંથી 2376 ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ માટે પસંદ થયા હતા.તેમાં સ્પીપાના 82 ઉમેદવારોનો સમાવેશ થયો હતો. ડિસેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલા પર્સનાલિટી ટેસ્ટના આધારે યુપીએસસી દ્વારા તા.05 માર્ચ 2026ના રોજ જાહેર કરાયેલા અંતિમ પરિણામમાં સમગ્ર ભારતમાંથી 958 ઉમેદવારો અખિલ ભારતીય સેવા માટે પસંદ થયા છે.

સ્પીપાના 34 ઉમેદવારો પાસ થયા
આ આખરી ચયનમાં સ્પીપા ખાતે તાલીમ લીધેલા 34 ઉમેદવારોનો સમાવેશ થાય છે.પર્સનાલિટી ટેસ્ટ માટે સ્પીપા દ્વારા ઉમેદવારોને નવેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન વિશેષ તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમમાં 15 ‘મોક ઈન્ટરવ્યુ’ અને 4 વિશેષ વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉપરાંત ઇન્ટરવ્યુ માટે નવી દિલ્હી જનાર ઉમેદવારો માટે ગુજરાત ભવન ખાતે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.